આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ટેસ્ટ ક્રિકેટને વધારે લોકપ્રિય બનાવવા માટે આ લાંબા ફૉર્મેટમાં ખેલાડીઓને પોતાના નામ અને જર્સી નંબર સાથે રમવાની પરવાનગી આપી છે. આની શરૂઆત આ વર્ષે 1 ઑગષ્ટથી રમાનારી ICCની નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ સાથે થશે. ટેસ્ટ ક્રિકેટનાં 142 વર્ષનાં ઇતિહાસમાં આ મોટો બદલાવ જોવા મળશે.
ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થનારી એશિઝ સીરીઝ પહેલી સીરીઝ હશે જેમાં ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી સાથે રમતા જોવા મળશે. ICCની જીએમ મેનેજર ક્લેયર ફર્લોંગે કહ્યું કે, “આ 1 ઑગષ્ટથી વિશ્વ ચેમ્પિયનશિપની સાથે લાગુ થશે.” ઉલ્લેખનીય છે કે 1877માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની મેચથી શરૂ થઇ.
ICCનાં અધ્યક્ષ સશાંક મનોહરે કહ્યું હતુ કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઇ રહ્યું છે.તેમણે કહ્યું હતુ કે, “અમે એ જોવાનાં પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું ટેસ્ટ ચેમ્પિયનશિપ રોમાંચ ઉત્પન્ન કરી શકે છે, કેમકે ટેસ્ટ ક્રિકેટ હકીકતમાં ખત્મ થઇ રહી છે.” આના વિશે ICCનાં ડેવિડ રિચર્ડસને કહ્યું હતુ કે, “તેમનાં કહેવાનો મતલબ હતો કે ક્રિકેટને વધારે પ્રતિસ્પર્ધાત્મક કરવાની જરૂર છે. હાં, કેટલીક જાણીતી સ્પર્ધાઓ છે જે સમય-સમય પર થઇ રહી છે.”