આજે જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી સાબરમતીમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યુ છે. ભારતનો આ પ્રોજેક્ટ આખી દુનિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ચીને આશ્ચર્ય વચ્ચે બહુ પોઝિટીવ પ્રતિભાવ આપ્યો છે. હાલમાં જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસેલા છે ત્યારે ચીને પણ ભારતમાં થનારી હાઇસ્પીડ રેલવે પરિયોજનાઓ સંદર્ભે પોતાની દરખાસ્તો નવેસરથી મોકલવાનો પ્રસ્તાવ મૂકીને ચોંકાવનારું પગલું ભર્યું છે.
ભારતે પહેલાં જ આ પ્રકારની યોજનાઓ માટે જાપાનને ભાગીદાર બનાવ્યું છે. ચીન પોતાની હાઇસ્પીડ રેલ ટેકનોલોજીનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરે છે અને ભારતમાં પહેલો સોદો કરવાની દોડમાં શામેલ પણ હતો. ચીની નિષ્ણાંતોએ હિલ્હી-ચૈન્નઇ રુટ માટે વ્યાવહારિક અધ્યયન પણ કર્યું હતું. એવામાં ચીને હવે જ્યારે જાપાન-ભારત બુલેટ ટ્રેન પરિયોજનાની શરુઆત કરી રહ્યાં છે તેવા સમયે ફરી રસ દાખવ્યો છે. મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેનમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે, ‘ચીન ભારત અને અન્ય દેશોને મૂળભૂત માળખા વિકસાવવા માટે મદદ કરવા આતુર છે. આ માટે ચીન ભારત અને અન્ય સહયોગી દેશોને પ્રોત્સાહન આપવા તૈયાર છે.’
પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે રેલવેક્ષેત્રે મહત્વનો સહયોગ છે.
બન્ને દેશોના અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં છે. હાલની પરિયોજનાઓમાં રેલવેની ગતિ વધારવામાં આવી રહી છે. આમાટે ભારતના એન્જિનિયર્સને ચીનમાં તાલીમ પણ અપાઈ રહી છે. ચીન એક રેલવે યુનિવર્સિટી સ્થાપવામાં પણ ભારતની મદદ કરી રહ્યું છે.
ચીને ભારતમાં કેટલાક રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવાનું કામ પણ શરૂ કર્યું છે. ચીનમાં દુનિયાનું સૌથી લાંબું હાઈ સ્પીડ રેલવે નેટવર્ક છે.