“વાઇબ્રન્ટ ગુજરાત-2024” 10મી ગ્લોબલ સમિટ અન્વયે આજે સવારે રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 669થી વધુ સાયકલવીરોએ મોટા ઉપાડે સાયકલ ચલાવવા માટે ઉત્સાહ દાખવતા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારે કડકડતી ઠંડીના કારણે ઉંઘ ન ઉડવાના કારણે માત્ર 100થી 125 લોકો જ સાયક્લોથોનમાં સામેલ થયા હતા. સાયકલવીરો કરતા નેતાઓની સંખ્યા વધુ જણાતી હતી. એંકદરે ફ્લોપ શો રહ્યો હતો.
669 સાયકલવીરોએ મોટા ઉપાડે કરાવ્યું રજીસ્ટ્રેશન પણ આવ્યા માંડ 100 જેટલા લોકો: સાયકલ ચલાવનારા કરતા નેતાઓની સંખ્યા વધુ
વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આજે કોર્પોરેશન અને બે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે ભારે ઉમળકાભેર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 7 કલાકે રેસકોર્ષ સંકુલ સ્થિતિ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતેથી સાયક્લોથોનને સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેશનના પદાધિકારી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. ત્રણ-ત્રણ સંસ્થાઓ દ્વારા મહા આયોજન કરવામાં આવ્યું હોવા છતા સાયક્લોથોનમાં માહોલ જામ્યો ન હતો.
આવી કડકડતી ઠંડીમાં કોણ 9 કિ.મી. સાયકલ ચલાવે તેવુ મનોમન નક્કી કરી રજીસ્ટ્રેશન કરાવનાર 669 પૈકી 55 જેટલા સાયકલ વીરો ગોદડામાં જ પડ્યા રહ્યા હતા. માત્ર 100 જેટલા સાયકલ વીરો આવ્યા હતા. આમંત્રણ કાર્ડમાં જે નેતાઓના નામ લખવામાં આવ્યા હતા. તે પૈકી પણ કેટલાક નેતાની ઉંઘ ઉડી ન હતી. જે સાયકલ વીરો સામેલ થયા હતા. તેઓના ચહેરા પર ભારે ઉત્સાહ દેખાતો હતો.