જામનગરના ધ્રોલ પાસે આવેલી એક હોટલમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી હોટલના સંચાલકને ચોત્રીસ બોટલ શરાબ સાથે પકડી પાડયો છે. જ્યારે નગરમાં એક શખ્સ મિત્રના જન્મદિનની ઉજવણી માટે શરાબની બે બોટલ, બીયરનું ટીન લઈને જતો હતો ત્યારે પોલીસના સકંજામાં આવી ગયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે આવેલી માધવ હોટલમાં અંગ્રેજી શરાબનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યે હોવાની બાતમી મળતા ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે માધવ હોટલમાં રેઈડ કરી હતી.

હોટલમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચોત્રીસ બોટલ મળી આવી હતી. રૃા.૧૭ હજારની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી પોલીસે હોટલ સંચાલક ધ્રોલના રહેવાસી જીતેન્દ્ર રમેશભાઈ ગડારાની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરિત ધ્રોલના રાધે પાર્કમાં રહેતા ભગવતીપ્રસાદ નવનીતલાલ અગ્રાવતનું નામ આપ્યું છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગઈકાલે સાંજે મોટરસાયકલ પર જઈ રહેલા મોમાઈનગરની શેરી નં.૩માં રહેતા હરીસિંહ વાળા તથા પટેલ રહેતા શક્તિદાન ગઢવીને પોલીસે શકના આધારે રોક્યા હતા. પોલીસને જોઈને હરીસિંહ નાસી ગયો હતો. જ્યારે શક્તિદાન સપડાઈ ગયો હતો. પોલીસે મોટરસાયકલમાંથી અંગ્રેજી શરાબની બે બોટલ ઝબ્બે લઈ ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના જગા ગામમાંથી પોલીસે પરેશ કાનાભાઈ ભીમાણી નામના શખ્સને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે તેની વાડીમાંથી પકડી પાડયો છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા જલારામ પાર્કની શેરી નં.૧માં ગઈકાલે સાંજે ઈન્વે. પીએસઆઈ વાય.એ. દરવાડિયા તથા સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી મોટરસાયકલમાં જઈ રહેલા મોહિતસિંહ મહિપતસિંહ વાઘેલા નામના શખ્સની તલાશી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની બે બોટલ અને બીયરનું એક ટીન મળી આવ્યા હતા. પોલીસે મોહિતસિંહની પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર મૂળ મોડા ગામના અને હાલમાં સિંધુ સેવા સ્કૂલ પાસે રહેતા યુવરાજસિંહ જાડેજાનો જન્મદિવસ હોય પોતે આ જથ્થો લઈને આવ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે યુવરાજસિંહને ફરાર જાહેર કરી તેની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.