થર્ટી ફર્સ્ટને લઈને સૌરાષ્ટ્રભરમાં પોલીસ એલર્ટ મોડ ઉપર : તમામ સ્થળોએ સઘન ચેકીંગ કરી દારૂની પાર્ટીઓ ઉપર ધોસ બોલાવવા કવાયત
ફાર્મ હાઉસ અને કારખાનામાંથી પ્યાસીઓને પકડી પાડવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. આ માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લીધી છે. અત્યારથી જ પ્યાસીઓની પાર્ટીના રંગમાં ભંગ પાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અને પોલીસ દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે કારખાના અને ફાર્મ હાઉસમાં છાનીછૂપી રીતે જે પાર્ટીઓ થતી હોય છે તેને રોકવા સઘન ચેકીંગ કરવામાં આવશે.
થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં થર્ટી ફર્સ્ટ નિમિતે પ્યાસીઓ દારૂની રેલમછેલ કરતા હોય છે. જેના ઉપર રોક લગાવવા સરકારના આદેશને પગલે દરેક જિલ્લામાં પોલીસ એક્શન મોડ ઉપર આવી ગઈ છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. છતાં પણ ખટારા મોઢે દારૂ ઉતર્યો છે. જેમાંથી થોડો ઘણો પોલીસના હાથે પકડાયો પણ છે.
આ વખતે કોરોના મહામારીના પગલે ર્થટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોવિડને કારણે સરકારી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે અને જો કોઇ ગ્રુપમાં ભેગું થશે તો તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ૩૧ મી ડિસેમ્બરની રાત્રે પોલીસ તંત્ર દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ નજર રાખવામાં આવશે તેમજ જાહેર માર્ગો પર સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.
આ વખતે કોરોનાની મહામારીના પગલે થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવમાં આવ્યો છે. જો ક્યાંય પાર્ટી યોજાતી હશે તો તેના આયોજકો અને પાર્ટીમાં હાજર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરીને ઇન હાઉસ પાર્ટી પર પણ નજર રાખવામાં આવશે.
દરેક શહેર અને જિલ્લાભરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએ એલસીબીની ત્રણ ટિમો બનાવી છે. જે ખાસ સ્થાનિક પોલીસ સાથે મળીને ફાર્મ હાઉસ અને કારખાનાઓમાં ચેકીંગ હાથ ધરશે.