બાય બાય ૨૦૧૯… વેલકમ ૨૦૨૦
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જામશે ડાન્સ અને ડાઇનની ધૂમ: હોટેલો, રેસ્ટોરન્ટસ, રિસોર્ટસમાં થર્ટી ફર્સ્ટના રંગારંગ આયોજનો: થર્ટી ફર્સ્ટ મનાવવા મ્યુઝીકના સથવારે નાચવા યુવાધન હિલોળે ચડશે: સહેલાણીઓ ગોવા, દિવમાં ઉમટી પડયા
આજે કેલેન્ડર વર્ષ ૨૦૧૯નો અંતિમ દિવસ અને થર્ટી ફર્સ્ટનો ફેસ્ટીવલ છે. દેશ-વિદેશમાં થર્ટી ફર્સ્ટની રંગારગ ઉજવણી કરવામાં આવે છે. અહીં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં થર્ટી ફર્સ્ટ મનાવવા યુવાધન હિલોળે ચડયું છે. મોટા શહેરોની હોટેલો, રેસ્ટોરન્ટો અને રિસોટ્રેસમાં ફેસ્ટીવલ ઉજવવા જોરદાર તૈયારીઓ થઇ છે. રંગીલા રાજકોટની પણ અનેક હોટેલોમાં અવનવા આયોજનો થયા છે.
આજે જાણે રાત પડશે અને દિવસ ઉગશે સાલ ૨૦૧૯ ને બાય બાય અને ૨૦૨૦ ને આવકારવા આખી રાત ડાન્સ-ડાઇનની ધુમ મચશે. મ્યુઝીકના સથવારે બોલીવુડના ગીતો પર યુવાનો થીરકશે તો અનેક જગ્યાએ દારૂની મહેફીલો પણ જામશે. ફરવાના શોખીનો તો નાતાલથી જ ગોવા સહિતના સ્થળોએ ઉમટી પડયા છે. દીવમાં પણ દારૂ પીવાના શોખીનો પહોંચી જશે આ ઉપરાંત નાગવા બીચ સહિતના બીચ પર સહેલાણીઓ મોજ મજા કરશે. અનેક બારમાં પાણીની જેમ લાખો રૂપિયાનો દારુ પીવાશે. સૌરાષ્ટ્રના તમામ શહેરોની હોટેલો, રિસોર્ટસમાં ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં શહેરીજનોએ થર્ટી ફર્સ્ટ મનાવવા એડવાન્સ બુકીંગ કરી દીધું છે.
ન્યુ યરના વધામણા કરવા તમામ હોટેલોમાં આખી રાત ડાન્સ વીથ ડાઇનની ધુમ મચશે અને યુવાનો રંગારંગ કાર્યક્રમોને મનભરીને માણશે. ફેસ્ટીવલ દરમ્યાન કોઇ અભદ્દ વર્તન કે ઘટના ન બને તે માટે શહેરની પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
આજે થર્ટી ફસ્ટની ઉજવણી સૌ કોઈ પોત પોતાની રીતે કરી ગયા વર્ષને યાદગાર બનાવશે. ૨૦૧૯ને હર્ષભેર બાય બાય કરવા વિવિધ હોટલો, રેસ્ટોરન્ટોમાં તો અનેરા આયોજનો થયા છે. યુવાનો તેમા જઈ ફેસ્ટીવલ મનાવશે. તો બાળકો, વિદ્યાર્થીઓ પણ પોતાની સ્કૂલ, કોલેજમાં અવનવા કાર્યક્રમો યોજી થર્ટીફસ્ટને યાદગાર બનાવશે. તો ઘણા લોકો પરિવાર સાથે ફરવાના સ્થળોએ ઉમટી પડી થર્ટીફસ્ટની ઉજવણી કરશે.