ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ ધામમાં છેલ્લા 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં દર્શન માટે આવતા ભક્તો માટે સુવિધા વધારવા માટે યોગી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાના પરિણામે છેલ્લા બે વર્ષમાં કાશી વિશ્વનાથ ધામ ખાતે 16000 આંતરરાષ્ટ્રીય વિઝિટર્સ સહિત 13 કરોડથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
કાશી વિશ્વનાથ ધામ અને સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ વર્માએ જણાવ્યું છે કે 13 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2023 સુધી 15930 વિદેશી ભક્તોએ વિશ્વ વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે બૂકિંગ કરાવ્યું હતું.પીએમ મોદીએ 13 ડિસેમ્બર 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યા બાદ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. વર્માએ કહ્યું કે 2022ની સરખામણીમાં 2023માં દર્શન માટે બૂકિંગ લગભગ બમણું થઈ ગયું છે.
તીર્થસ્થળમાં ધાર્મિક પર્યટનમાં ખાસ્સો વધારો થયો
13 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2023 સુધી રેકોર્ડ તોડ 12 કરોડ 92 લાખ શ્રદ્ધાળુઓએની સાથે તીર્થસ્થળમાં ધાર્મિક પર્યટનમાં ખાસ્સો વધારો થયો છે. ડિસેમ્બર 2021માં વિદેશી ભક્તોની સંખ્યા 40, 1 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 દરમિયાન 4540 અને 1 જાન્યુઆરીથી 6 ડિસેમ્બર દરમિયાન 11350 રહી હતી.