૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ ‘ઝાડું’ મારવા તત્પર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થનારી છે. ત્યારે ભાજપ – કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટી પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવે તે બાબત રવિવારે સ્પષ્ટ થઇ ગઈ છે. આપ દ્વારા ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે જેમાં કુલ ૫૦૪ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. આપ ગુજરાતમાં દિલ્લીવાળી કરવા તત્પર થઈ છે પણ ગુજરાતની પ્રજા માટે ત્રીજો પક્ષ ’અપચા’ સમાન છે જેનો ઇતિહાસ સાક્ષી છે. ત્યારે ગુજરાતમાં આપનું ઝાડું ફરી વળશે કે કેમ ? તે અંગે પ્રશ્નો ઉદ્દભવ્યા છે.
રાજ્યમાં આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે અને ટૂંકા સમયગાળામાં ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચુંટણીની તૈયારીઓ તો શરૂ કરી જ દેવામાં આવી છે પણ આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. ગુજરાતની તાસીર મુજબ રાજ્યમાં ત્રીજા પક્ષ માટે કોઈ સ્થાન નથી પરંતુ આપ ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન લેવા પણ તત્પર બની છે. રવિવારે આપ દ્વારા અમદાવાદ ખાતે તેમના રાષ્ટ્રીય પ્રવક્તા આતિષી મારલેના અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ૫૦૪ ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમાવેશ થાય છે. આપ દ્વારા આગામી ચૂંટણીમાં જિતનો આશાવાદ તો વ્યક્ત કરાયો જ છે પણ સાથોસાથ ભાજપનો વિકલ્પ આપ બનશે તેવો આશાવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા આતિષી મારલેનાએ કહ્યું હતું કે, આપ રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રથમવાર લડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને આપ ભાજપનો વિકલ્પ બનશે. આમ આદમી પાર્ટી ભાજપને ગુજરાતમાંથી સતાહીન બનાવશે. ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પણ આપના ઉમેદવારો લડશે. ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને તે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં ઝંપલાવશે. આતિષીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ તોડ – જોડ અને ધાક – ધમકીનું રાજકારણ રમી રહ્યું છે. મજબૂત વિપક્ષના નેતા – કાર્યકરોને યેન કેન પ્રકારે લોભ-લાલચ, ડરાવી-ધમકાવીને ભાજપમાં વિલીન કરીને સતારૂઢ રહેવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે સમગ્ર દેશમાં અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવો નેતા છે જે ભાજપની આવી નીતિથી ડરતા નથી. આપ જ એકમાત્ર એવો પક્ષ છે જે, ભાજપની આવી હીન કક્ષાના રાજકારણથી ડરતી નથી. અમે સૌ અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ, અમે સત્ય માટે લડત આપતા રહીશું.
ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ આપના ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરનાર છે. આપ દ્વારા રાજ્યમાં એક ઇમેઇલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી પ્રજા ઉમેદવારો વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો પક્ષને જાણ કરી શકે છે. આતિષીએ કહ્યું હતું કે, અમે હાલ ટ્રીપલ સીના સિદ્ધાંત પર ચાલી રહ્યા છીએ. જેમાં કરપશન, ક્રિમિનેલિટી, કેરેકટરનો સમાવેશ કરાયો છે. અમારો કોઈ પણ ઉમેદવાર ઉપરોક્ત ત્રણેય બાબતોમાંથી કોઈ પણમાં સક્રીય ભાગ ભજવતો હોય તો તેવા ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે, પ્રથમ યાદીમાં ૫૦૪ ઉમેદવારોના નામ પર મુહર મારીને જાહેર કરાઈ છે જેમાં ૩૧% મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રથમ યાદી છે અને બીજી યાદીની જાહેરાત પણ ટૂંક સમયમાં થનાર છે. અમે મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈને લોકો સુધી જવાના છીએ. રાજ્યમાં ભ્રષ્ટાચારનો સંપૂર્ણ અંત આવે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ઉલ્લેખનીય બાબત છે કે, અમદાવાદ અને રાજકોટ સહિત ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નવેમ્બર ૨૦૨૦માં યોજનારી હતી કારણ કે, તમામ બોડીની મુદ્દત એ સમયગાળામાં પૂર્ણ થઈ રહી હતી પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી જેથી હવે ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણનો આપનો આક્ષેપ: આપ કોંગ્રેસની જગ્યા લેશે?
રાજકોટ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય પ્રવક્તા આતિષી મારલેનાને પૂછયેલા પ્રશ્ન, ’ગુજરાતની પ્રજા ક્યારેય ત્રીજા પક્ષને પસંદ નથી કરતી તો આપને સ્વીકારશે ? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ ફક્ત એક જ પક્ષ છે જે ભાજપ છે. ભાજપ એકચક્રી શાસન ચલાવે છે. વાત કોંગ્રેસની રહી તો કોંગ્રેસનું તો ભાજપમાં વિલીનીકરણ થઈ ગયું છે. કોંગ્રેસના તમામ નિર્ણયો ભાજપના ઈશારે થાય છે. પ્રજા કોંગ્રેસના ઉમેદવારને ચૂંટીને મોકલે છે અને ત્યારબાદ એ જ ઉમેદવાર ભાજપનો ભગવો ધારણ કરી લે છે ત્યારે રાજ્યમાં બીજા પક્ષનું અસ્તિત્વ જ નથી. અમારે ફક્ત ભાજપની સામે લડવાનું છે. આતિષી મારલેનાના જવાબથી ચોક્કસ એક પ્રશ્ન ઉદભવે છે કે, રાજ્યમાં આપ શુ કોંગ્રેસની જગ્યા લેશે?