અગાઉ ફ્લાયિંગ સ્ક્વોડ દ્વારા 60 વિધાર્થીઓ પકડાયા હતા: પરિણામ પૂર્વે જ શિક્ષણ બોર્ડ એક્શનમાં ગેરરીતિ માટે નક્કી કરેલી સજાની જોગવાઇના આધારે ગેરરીતિવાળા વિદ્યાર્થીની સામે પગલાં લેવામાં આવશે

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને નિયંત્રણમાં લાવવા માટે વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં લેવાઈ હતી. ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે અને ધોરણ-10નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે.

સીસીટીવી કેમેરા શિક્ષણનું ત્રીજું નેત્ર બની રહ્યાં છે જેના આધારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીને પકડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે. વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે.

પરીક્ષા દરમિયાન ગેરરીતિને અટકાવવા ખંડ નિરીક્ષક, સ્થળ સંચાલક અને સ્કવોડને સ્ટેન્ડ બાય રાખ્યાં હતાં. શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ માટે નક્કી કરેલી સજાની જોગવાઇના આધારે ગેરરીતિવાળા વિદ્યાર્થીની સામે પગલાં લેવામાં આવશે. પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક, સ્ક્વોડ, સરકારી પ્રતિનિધિ, ક્લાર્ક, પટાવાળા સહિતના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરાય તેની પણ અલગ અલગ સજાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાય તો તેમાં પરિણામ રદ, બે વર્ષ સુધી પરીક્ષા આપી શકાય નહીં, તેમજ ફોજદારી કેસ સહિતની જોગવાઇ કરાઇ છે.

ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.