કોટડા સાંગાણી મામલતદાર તલાટીઓના ઓર્ડર કેન્સલ નહિ કરે તો તેનો કલેક્ટર કચેરીમાં હુરીયો બોલાવાશે, ત્યાં ધરણા પણ કરાશે

મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે. હડતાલના કારણે વહીવટી કામકાજ ઠપ્પ થઈ ગયા છે. વધુમાં આ દરમિયાન કોટડા સાંગાણી તાલુકા મામલતદારે કરેલા તલાટીના ઓર્ડર જો આજે કેન્સલ કરવામાં નહિ આવે તો તેના નામનો કલેક્ટર કચેરીએ હુરિયો બોલાવવામાં આવશે. ઉપરાંત ત્યાં જઈને ધરણા પણ કરવામાં આવશે.

મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે. જે મુજબ ચાલી રહેલી હડતાલનો આજે છેલ્લો દિવસ છે. પરંતુ સરકારે નમતું જોખવાની તૈયારી પણ ન દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સામે મહેસુલી કર્મચારીઓ પણ પોતાની લડત મક્કમતાથી લડી રહ્યા છે. ત્રણ દિવસથી નાયબ મામલતદાર અને ક્લાર્ક ફરજથી અળગા રહ્યા હોવાથી વહીવટી કામકામ ઠપ્પ થઈ જવા પામ્યું છે. કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓના વહીવટ ખોરવાઈ જવા પામ્યા છે.

7537d2f3 9

બીજી બાજુ મામલતદાર કચેરીઓમાં નાયબ મામલતદાર અને કલાર્કની હડતાલના કારણે અનેક કામો અટકી પડ્યા છે. જેથી જેતપુર અને ગોંડલમાં મામલતદાર દ્વારા તલાટીઓને ચાર્જ સોંપતા હુંકમ કર્યા હતા. જો કે રાજકોટ જિલ્લા કર્મચારી મંડળ દ્વારા પ્રમુખ કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ આ ઓર્ડર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મંડળ દ્વારા જણાવાયું હતું કે જો કોઈ કર્મચારી રજા ઉપર હોય તો તેનો ચાર્જ અન્ય કર્મચારીને સોંપવામાં આવે છે. ત્યારે હાલ મહેસુલી કર્મચારીઓ રજા ઉપર ગયા નથી. તેઓ હડતાલ ઉપર છે. માટે તેમનો ચાર્જ અન્ય કર્મચારીને સોંપવાનો નિર્ણય અયોગ્ય છે. મંડળનો વિરોધ જોઈને જેતપુર અને ગોંડલમાં તલાટીઓના ઓર્ડર રદ કરી દીધા હતા.

પરંતુ ગઈકાલે બપોરના સમયે કોટડા સાંગાણી મામલતદાર દ્વારા પણ તલાટીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતા. મંડળના જણાવ્યા પ્રમાણે જો મામલતદાર દ્વારા આજે ૧૧ વાગ્યા સુધીમાં આ ઓર્ડર રદ કરવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી ખાતે આજના ધરણાના કાર્યક્રમમાં મામલતદારનો હુરિયો બોલાવવામાં આવશે અને તમામ કર્મચારીઓ આજે કોટડા સાંગાણી જઈને ત્યાં પણ ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યભરના ૧૦ હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ ઉમટી પડી વિશાળ રેલી પણ યોજવાના છે.

vlcsnap 2019 12 11 12h39m23s81

રેવન્યુ બાર અને બાર એસો.એ મહેસુલી કર્મચારીઓને ટેકો જાહેર કર્યો

પોતાની પડતરી માંગણીના પ્રશ્ર્ને હડતાલ પર ઉતરેલા મહેસુલી કર્મચારીઓને રેવન્યુ બાર એસો. તેમજ રાજકોટ રેવન્યુ બાર એસો.એ ટેકો જાહેર કર્યો છે. બન્ને સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, નાગરિકોને કચેરીના કામકાજમાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકાતું નથી. અરજદારોને કચેરીએ ધક્કા ખાવાની નોબત આવી છે. સરકાર કક્ષાએ આ મામલે તાત્કાલીક ઘટતું કરવાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.