“સબસે સે ઊંચા જન્મ ઈશ્વરીય જન્મ હૈ”
અલવિદા તનાવ કાર્યક્રમ ના સાતમા દિવસે અલૌકિક જન્મોત્સવની ઉજવણીથી વાતાવરણ સકારાત્મક ઉર્જાથી સંચારીત થયું
જ્યારે સ્વયં ભગવાન આપણને મળી જાય તો પછી બીજું શું જોઈએ ? બસ, રાજકોટના નાગરિકોએ “અલવિદા તનાવ” કાર્યક્રમમાં આજ બાબતનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટની બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના સાતમાં દિવસે શહેરીજનોએ “અલૌકિક જન્મોત્સવ” મનાવ્યો હતો તેમજ પુષ્પ વર્ષાથી દેવી દેતાઓના આશીર્વાદની અનુભૂતિ કરી હતી અને સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી સંચારિત થયું હતું.
આ અવસરે “બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય” અંગેની સ્થાપના વિશે માહિતી બ્ર.કુ. પૂનમબહેને જણાવ્યું હતું કે, ૧૮૭૬માં સિંધ હૈદરાબાદમાં સાધારણ પરિવારમાં જન્મેલ દાદા લખરાજે દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. પ્રસિદ્ધ હીરા ઝવેરાતનો વેપાર કરનાર દાદા લેખરાજ ભગવદ ગીતાનું રોજ અધ્યાયન, સત્ય જ્ઞાનની ખોજ કરવા ૧૨ ગુરુ બનાવ્યા હતા. વર્ષ ૧૯૩૬માં તેમને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનો સાક્ષાત્કાર થયો અને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈશ્વરીય જ્ઞાન સૃષ્ટિની દરેક આત્માઓને પ્રાપ્ત થાય તે માટે જ દાદા લેખરાજ માધ્યમ બન્યા અને બ્રહ્માબાબા તરીકે ઓળખાયા.
બ્ર.કુ. પૂનમબેને શ્રોતાગણને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના હેતુ વિશે વાત કરતા વધુ જણાવ્યું હતું કે, પરમપિતા પરમાત્માનું એકપણ બાળક ઈશ્વરીય જ્ઞાનથી વંચિત ન રહે તે માટે ૧૩૭ દેશોમાં આઠ હજારથી વધુ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નિશુલ્ક ઈશ્વરીય જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ધરતી ઉપર જન્મ લીધો છે ત્યારે આ જીવનનો ધ્યેય શું છે ? કેવી રીતે જીવન જીવીને સાચા અર્થમાં સાર્થક કરી શકીએ તેનું જ્ઞાન આપવામાં આવે છે.
અલવિદા તનાવ કાર્યક્રમના આ દિવસને ખાસ કહેતા પૂનમ બહેને ઉપસ્થિત સર્વે રાજકોટવાસીઓને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. “સબસે સે ઊંચા જન્મ ઈશ્વરીય જન્મ હૈ” કહેતા તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનને માતપિતા, દોસ્ત અને બાળક બનાવીને રોજ સૂતા પહેલા તેમને પત્ર લખો અને તમારો મનનો બોજ તેમને આપી દો.
ઈશ્વરીય જ્ઞાન સાથે ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે દેવી દેવતા બનેલ કુમાર અને કુમારીઓ દ્વારા રાજકોટ વાસીઓ ઉપર પુષ્પની વર્ષા કરીને આશીર્વાદ આપ્યા હતા અને સ્વર્ગની અનુભૂતિ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયને વધુ સમજવા અને જીવનના સાચા ધ્યેયને જાણવા માટે શહેરીજનો “જ્યોતિ દર્શન ૧, પંચશીલ સોસાયટી, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ ખાતે આવેલ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.
અહીં આજે એક અનંત આનંદની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે : ચિંતન ત્રિવેદી
અબતક સાથેની વાતચીતમાં યોગ કોચ ચિંતન ત્રિવેદી જણાવે છે કે,હું બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે લાંબા સમયથી જોડાયેલો છું,તેમના શિબિરોમાં પણ ભાગ લઉ છું અને અન્ય લોકોને પણ પ્રેરિત કરું છું.રાજકોટ ખાતે આયોજિત આ ભવ્ય શિબિરના ભાગરૂપે આજે મને શિબિરને માણવાની તક મળી છે અને ઘણા અનુભવો થયા છે તથા એક વિશેષ અનુભૂતિ થઈ છે,અદભુત આનંદની, અદભુત ઉત્સવની તથા જે પ્રકારે નવો જન્મ થયો હોય એવો માહોલ અહીં બન્યો છે અને એક અનંત આનંદની લાગણી નો અનુભવ થઈ રહ્યો છે જે માટે બ્રહ્માકુમારીઝ સંસ્થાનો તથા પરમ પિતા પરમાત્માનો ધન્યવાદ વ્યક્ત કરું છું.