ફેક વેબસાઈટ ખોટી માહિતી, એકસપાયરી ડેર વીતિ ગયેલી પ્રોડકટ અને ઓફર-ડીસ્કાઉન્ટની લાલચ આપી લોકોનો તોડ કરવાનો કારસો
દિવાળીના તહેવારોને 12 મહિનાની ખરીદીનું પર્વ માનવામાં આવે છે. ભારતના સામાજિક જીવનમાં દિવાળીના તહેવારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત શોખની વસ્તુઓ વસાવવાની એક આગવી પરંપરા રહી છે. ભારતીય સમાજ જીવનની આ કડી પારખીને દર વર્ષે તમામ વ્યવસાયકારો દિવાળીના તહેવારોમાં સારો વેપાર કરવા માટે આકર્ષક સ્કીમો સાથે મેદાનમાં ઉતરે છે. પણ આજના ડિજિટલ જમાનામાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધમધમતા ઓનલાઈન ખરીદીનો માહોલ જામ્યો છે. જો કે ઘણા લોકોને મનમાં છેતરપીંડીનો ભય પણ રહેતો હોય છે.
ત્યારે ખાસ અત્યારે તહેવારોની સીઝનમાં ખરીદી કરતા પહેલા સો વખત વિચારવા જેવું બની ગયું છે. કારણ કે હાલ ઓનલાઈન લોભામણી લાલચ આપી રૂપિયા અંકે કરતી ઠગીઓની જમાત નીકળી પડી છે..!!હવે બદલાયેલા સમયમાં ઓનલાઈન ખરીદીના ટ્રેન્ડ વચ્ચે દિવાળીના માહોલમાં ઓનલાઇન બિઝનેસમાં ગ્રાહકોને છેતરવા ટોળકી સક્રિય થઇ ગઇ હોય તેવા માહોલમાં દરેક ગ્રાહકોએ સાવચેતી રાખવી જોઈએ. નહીંતર પછતાવાનો વારો આવશે.
ઓનલાઇન ખરીદી અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માલ મંગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેવા સંજોગોમાં કેટલાક લેભાગુ તત્વો ગ્રાહકોની આ ઉતાવળ અને જિજ્ઞાસાવૃત્તિનો ગેરલાભ લઇને વ્યાપક પ્રમાણમાં લોકોને છેતરવા માટે સક્રિય થઈ ગયા હોય તેવા બનાવવાની ફરિયાદો વધી રહી છે. ઓનલાઇન બિઝનેસ ઈ-કોમર્સ ક્ષેત્ર બજારના મૂળભૂત દુકાન અને વેપારી સંબંધોના કલ્ચર સામે મોટો પડકાર રૂપ બની રહ્યો છે. લેભાગુ તત્વો પણ ફેક કંપનીઓ ઊભી કરી ગ્રાહકોને છેતરવા માટે મેદાને પડી ગયા છે,
ખોટી જાહેરાતો અને લોભામણી સ્કીમોનો સાથે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી બોગસ કંપનીઓ દ્વારા ગ્રાહકોએ મોકલેલા ઓર્ડર મુજબ માલ મોકલવાના બદલે નકલી અને હલકી ગુણવત્તાના માલ ઉપરાંત મોબાઇલ જેવી કિંમતી વસ્તુઓના પાર્સલમાં નાવાના સાબુ મોકલીને વ્યાપક પ્રમાણમાં છેતરપિંડી થઈ રહી છે. વેપારમાં એક્સપાયરી ડેટની ચીજ વસ્તુઓ, નકલી માલ, હલકી વસ્તુઓની સાથે સાથે મોંઘા ભાવની ચીજ-વસ્તુઓના બદલે રમકડા મોકલીને ગ્રાહકો સાથે વ્યાપક છેતરપિંડી કરવામાં આવી રહી છે.તેવા સંજોગોમાં ગ્રાહકોએ અત્યારે દિવાળીના તહેવારોની ખરીદીના ઉત્સાહમાં લેભાગુ તત્વો દ્વારા ઉભી કરવામાં આવેલી ખોટી કંપનીઓથી સાવચેતી રાખવી પડશે.