કોરોનાએ ‘ઘર’ બદલ્યું!!!
ઇરાન, અમેરિકા તેમજ યુરોપીયન દેશોમાં કોરોના વાયરસને લઇ ફફડાટ
સમગ્ર વિશ્ર્વમાં ભયનો માહોલ ઉભો કરનાર કોરોના વાયરસનું નવું એપી સેન્ટર યુરોપ બન્યું છે. જ્યાંથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે તેવા ચીનના વુહાન શહેરમાં સ્થિતિ થાળે પડી રહી છે. ચીનમાંથી ધીમે-ધીમે રિકવરી થઈ રહી હોવાની વિગતો સાંપડી રહી છે ત્યારે ઈટલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણ તેમજ તેનાથી થતાં મોતના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. ચીનમાં સ્થિતિ થાળે પડતા એપલના ૪૨ જેટલા સ્ટોર ફરી ધમધમવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં જડબેસલાક તૈયારીઓ કરવામાં આવી હતી. આગમચેતીના ભાગરૂપે તમામ એરપોર્ટ પર થર્મલ સ્કેનર સહિતની વસ્તુઓ મુકવામાં આવી હતી. પરિણામે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાનો ફેલાવો ઓછા પ્રમાણમાં છે. જો કે, બીજી તરફ ઈટાલી, જર્મની, ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોમાં વાયરસ બેકાબુ બની ગયો છે. તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપ સોના સીધા વ્યવહારો બંધ કરવાની વાત ઉચ્ચારી હતી. કોરોના વાયરસના ભયના પગલે અમેરિકા પણ ફફડી ગયું છે. અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૭ લોકોના મોત નિપજયા છે. બીજી તરફ કોરોના વાયરસના ભયના કોરણે મોલ-સુપર મોલમાં સામાન ખૂટી પડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં ગુજરાતીઓની વસ્તી ધરાવતા ઘણા વિસ્તારમાં કોરોનાની ઈફેકટ જોવા મળી છે.
ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસના સંક્રમણનો એક પણ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. જો કે, દેશના અન્ય ૧૧ રાજ્યોમાં અફરા-તફરી ન મચે તે માટે સરકારે પગલા લીધા છે. અસરગ્રસ્ત રાજ્યોમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. અમેરિકામાં પણ સ્ટેટ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. વાયરસના ચેપ ન લાગે તે માટે વધુ લોકો એકઠા થતાં હોય તેવા જાહેર સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે ક્રિકેટ શ્રેણી તેમજ ઈન્ડિયન પ્રિમીયર લીગને પણ મુલત્વી રાખવાનો નિર્ણય કોરોના વાયરસના ભયના પગલે લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં કોરોના વાયરસની અસર ચીનમાં ઓછી થઈ રહી છે. સંક્રમણના પોઝીટીવ કેસની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ યુરોપમાં સંક્રમણના કેસની સંખ્યા ખુબજ વધી જતાં યુરોપીયન દેશોની સરકાર ચિંતામાં મુકાઈ છે.
કોરોનાને લઇ ભારતમાં ભય કે સાવચેતી?
કોરોના વાયરસનો ફેલાવો દેશમાં થાય નહીં તે માટે સરકારે આગમચેતી વાપરી હતી. જો કે, હવે ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. વાયરસના પગલે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઈન્ડિયન પ્રિમીયર લીગ ભારત અને સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણીને પાછળ ઠેલવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરસના ડરના કારણે જાહેર કાર્યક્રમો ઉપર રોક લગાવવામાં આવશે તેવું ફલીત થઈ રહ્યું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં વિશ્ર્વમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત નિપજયા છે. ચીન, ઈટાલી અને અમેરિકા સહિતના દેશોએ વાયરસનો ફેલાવો રોકવા લોકડાઉન સહિતની પગલા લીધા છે.
પરંતુ આ પગલા મહદઅંશે જ કારગત નિવડયા હોવાનું જાણવા મળે છે. ભારત પણ આગમચેતી વાપરીને વાયરસનો ફેલાવો રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના અનુસંધાને મોટી ઈવેન્ટ કેન્સલ કરવામાં આવી છે. થીયેટર-શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાનું વાયરસે વિશ્ર્વના રાજકારણને ‘વાયરસ’ લગાવ્યો
અમેરિકાએ કોરોના વાયરસનો જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોવાનો ચીનનો આક્ષેપ
કોરોના વાયરસના ફેલાવા પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દે વૈશ્ર્વિક રાજકારણ વધવા લાગ્યું છે. અમેરિકાએ કોરોના વાયરસનો જૈવિક શાસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ ચીનના રાજદૂત દ્વારા થતાં વિશ્ર્વમાં ચકચાર મચી જવા પામી છે. સામાપક્ષે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ચીનના આ પગલાને વખોડવામાં આવ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, ચીન દ્વારા વાયરસના ફેલાવાની વાત છુપાવવામાં આવી હતી. અમેરિકાના સૈન્ય દ્વારા વુહાન શહેરમાંથી વાયરસનો ફેલાવો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયા બાદ વિશ્ર્વભરમાં ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરના કારણે થોડા સમય પહેલા વૈશ્ર્વિક અર્થતંત્ર નબળુ પડ્યું હતું. ફરીથી આ બંને દેશો વચ્ચેની હુંસાતુસીના કારણે આખુ વિશ્ર્વ જોખમમાં મુકાયું હોય તેવો ઘાટ ઘડાયો છે.