દ્વારકાના હર્ષદના દરિયાકાંઠે સ્થાનિક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનારા પકડાઈ ગયા છે. પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓએ મહાશિવરાત્રિના આગલા દિવસે મંદિરમાંથી શિવલિંગ ચોરીને 500 કિમીથી વધુ દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા પોતાના ગામમાં પહોંચાડ્યું અને ઘરે જ શિવલિંગ સ્થાપિત કરી દીધું હતુ. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે ભત્રીજીને સપનું આવ્યું હતું અને તેણે કહ્યું કે દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસે દરિયાકિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ઘરમાં સ્થાપશો તો ખૂબ જ પ્રગતિ અને લાભ થશે. ભત્રીજીની વાત માનીને શ્રદ્ધાના નામે પરિવારજનો ચોરીને અંજામ આપ્યો હતો.
સમગ્ર મામલની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ પોલીસ વિભાગની ટીમે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ આરોપીની પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે આરોપીઓએ શિવલિંગ કેમ ચોર્યુ તેનો ખુલાસો કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા આરોપીઓમાંથી મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને એક સ્વપ્ન આવ્યુ હતું, આ સ્વપ્ન મુજબ જો તેઓ હર્ષદમાં આવેલા મહાદેવના શિવલિંગને પોતાના ઘરે સ્થાપિત કરશે તો તેમને ખૂબ પ્રગતિ અને ફાયદો થશે.
સ્વપ્ન મુજબ, આરોપી મહેન્દ્ર મકવાણા, જગતસિંહ મકવાણા, મનોજ મકવાણા, વનરાજ મકવાણા અને અન્ય ત્રણ મહિલાઓ હર્ષદ ગામે પહોંચ્યા હતા અને થોડા દિવસ મંદિરમાં રેકી કરી હતી. રેકી કર્યા બાદ શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગને પોતાના વતન હિંમતનગર લઈને આવ્યા હતા અને પોતાના ઘરે સ્થાપિત કર્યું હતું.