મોબાઈલ અને રોકડની ચોરી કરતા ઝડપાયેલા શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો
રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલ કોઈ પણ કારણોસર હાલ સુર્ખિયોમાં રહે છે. ગઇ કાલે બાળકને ઉપાડવાના પ્રયાસ બાદ આજે નશામા ધૂત તસ્કરે સિક્યુરિટી ઓફિસના કાચ તોડી ધમાલ મચાવતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આ ભીડનો લાભ લઈ તસ્કરો રોકડ અને મોબાઈલ સેરવી લેતા હોવાની અનેક ફરિયાદો છાશવારે સામે આવે છે. ત્યારે આજે પણ એક કિશન નામના શખ્સે નશામા ધૂત થઈ ત્યાં સારવાર કરાવવા આવેલા ગીતાબેન મુંઘવાના રૂ.3000 રોકડા અને વિનોદભાઈ જેઠવાનો મોબાઈલ સેરવી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ માંડા ડુંગર ખાતે રહેતા ગીતાબેન પોતાની સારવાર માટે આવ્યા ત્યારે તેમની પાસે રહેલા રૂ.3000 રોકડા કિશન નામનો તસ્કર સેરવી ગયો હતો. ત્યાંથી કિશને વિનોદ જેઠવાનો મોબાઈલ પણ સેરવી લીધો હતો. ત્યાર બાદ વિનોદે તેના પર આક્ષેપ કરતા નશામા ધૂત કિશન નામના શખ્સે ગોકીરો કર્યો હતો અને પથ્થર લઈને ફરતો હતો. તે દરમિયાન લોકોએ જ તેની તપાસ કરતા તેની પાસેથી ત્રણ મોબાઈલ અને રોકડા રૂપિયા કબ્જે કરતા તેને મેથીપાક ચખાવડ્યો હતો. એટલું જ નહિ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ગોકીરો થતા સિક્યુરિટી ઇન્ચાર્જ એ.ડી.જાડેજા સહિતના દોડી ગયા હતા અને તસ્કરને ઝડપી સિક્યુરિટી ઓફિસમાં બેસાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ કિશને ઓફિસના કાચ ફોડી નાખ્યા હતા અને ધમાલ કરી હતી.ત્યાર બાદ પોલીસે સિવિલમાંથી કબ્જો મેળવી કિશનને પ્રનગર પોલીસ મથકે લઇ ગયા હતા. પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન નોંધાતા કુતૂહલ સર્જાયું છે. ગઇ કાલે પણ બાળકને ઉઠાવવાના પ્રયાસમાં કોઈ પોલીસ ફરિયાદ ન થતાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે.