વિદ્યાર્થીઓ તરણેતરનો મેળો,ઉચી રબારણ,જીજાબાઈનું હાલરડુ સહિતની કૃતિઓ રજૂ કરશે
સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. તેમાં પણ રાજકોટમાં સૌથી મહત્વનું કોઈ આકર્ષણ હોય તો તે છે લોકમેળો. તેમાં પણ આ વખતે રાજકોટની વિવિધ સ્કુલો દ્વારા જન્માષ્ટમી લોકમેળામાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવાના છે. ગ્રામ્ય અને શહેરમાં રાજકોટ ખાતે જન્માષ્ટમી મેળામાં લોકો ઉત્સાહભેર આનંદ ઉઠાવતા હોય છે. આવતીકાલથી પાંચ દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં ગગનચૂંબી ચકડોળ વચ્ચે યૌવન હિલોળે ચડે છે.
મેળામાં ખાણી-પીણીના સ્ટોલ, ફજત-ફાળકા, વિવિધ પ્રકારના સ્ટોલો, મોત નો કુવો સહિત દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટની વિવિધ શાળાઓ દ્વારા કૃતિઓ થવાની છે. તેમાં ન્યુએરા ઈંગ્લીશ મીડિયમના ૧૬ વિદ્યાર્થીઓ દ્વારા તરણેતરના મેળા ઉપર ૭ મીનીટની કૃતિ પ્રદર્શીત થવાની છે.
તેમજ જી.કે.ધોળકીયા સ્કુલના ૧૫ વિદ્યાર્થીઓ દ્વારા ‘ઉચી રબારણ’ નામની સાડા છ મીનીટની કૃતિ રજૂ થવાની છે. સરકારી પ્રાથમિક શાળા ઉકરડા પડધરી તાલુકાના ૧૨ વિદ્યાર્થીઓ દ્વારા ૬ મીનીટનું ‘રાસ ખેલ, ખેલ રે ભવાની ર્માં, જય અંબે ર્માં’ નામની સુંદર રાસ રજૂ થનાર છે.
તેમજ રાજકોટની સેન્ટ ગાર્ગી વિદ્યાલયના ૧૧ વિદ્યાર્થીઓ દ્વારા ‘જીજાબાઈનું હાલરડુ’ રજુ થવાનું છે. તદ્ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર નીમીતે લોકમેળામાં રાજકોટની એસ.જી.ધોળકીયાના ૧૮ વિદ્યાર્થીઓ દ્વારા ‘મથુરામાં વાગી મોરલી’ રાસ પર કૃતિ રજુ થવાની છે તેવું જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.