- રિસામણે રહેલી પત્નિ હેતલ, સાળા કમલેશ અને વિમલ તેમજ સસરા કરસનભાઇ બાટાના ત્રાસથી મરી જવા મજબૂર : સ્યુસાઇડ નોટના આધારે યુનિવર્સિટી પોલીસમાં નોંધાતો ગુનો
તારી જિંદગી ખરાબ કરી નાખવી છે, છૂટાછેડા નહિ આપું પણ તને સજા કરાવવી છે… પત્ની અને સાસરિયાની આવી અનેક ધમકીથી કંટાળી કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ પરિવાર હાઉસીંગ સોસાયટીમાં રહેતાં મહેશભાઇ કરસનભાઇ વિંઝુડા (ઉ.વ.28) નામના યુવાને પંખામાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનામાં યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનાર મહેશભાઇ વિંઝુડાના નાના ભાઇ પિયુષભાઇ (પોલો) રામજીભાઇ વિંઝુડા (ઉ.વ.24)ની ફરિયાદ પરથી લોધીકાના વાજડી (વડ) ગામે રહેતી મહેશભાઇની પત્નિ હેતલબેન મહેશભાઇ વિંઝુડા, સસરા કરસનભાઇ બાટા, સાળા કમલેશ કરસનભાઇ બાટા અને વિમલ કરસનભાઇ બાટા વિરૂધ્ધ અસહ્ય ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, અમે બે ભાઇ અને એક બહેનમાં મહેશભાઇ મોટા હતાં. બેહન સુરત સાસરે છે. મારા લગ્ન થયા નથી. મહેશભાઇના લગ્ન પાંચ વર્ષ પહેલા વડવાજડી ગામના કરસનભાઇ બાટાની દિકરી હેતલ સાથે થયા હતાં. તેને સંતાનમાં 3 વર્ષની દિકરી છે અને હાલ મારા ભાભી હેતલબેન તેના માવતરે છે.મહેશભાઇના લગ્ન બાદ હું અને મારા ભાભી તથા ભાઇ એમ ત્રણેય મેટોડામાં રહેતાં હતાં. મારા ભાઇ અને હું કારખાનામાં કામ કરતાં હતાં. લગ્ન બાદ મારા ભાભી મારા ભાઇ સાથે નાની નાની વાતે ઝઘડો કરતાં હતાં.
છેલ્લા બે વર્ષથી અમે ઇસ્કોન મંદિર પાછળ પરિવાર સોસાયટીમાં રહીએ છીએ. મારા બા અમારા ગામમાં નોકરી કરતાં હોઇ તેઓ રજાના દિવસોમાં અમારે ત્યાં આવતાં જતા રહે છે. દોઢેક વર્ષ પહેલા મારા ભાઇનો ફોન ખરાબ થઇ જતાં મારા ભાભી પાસે પડેલો ફોન માંગતા તેણે ફોન ન આપી ઝઘડો કર્યો હતો અને મારા બાને ઝાપટો મારી દીધી હતી. એ પછી ભાભી રિસામણે તેના માવતરે જતાં રહ્યા હતાં. ત્યારબાદ ભાભીએ મારા ભાઇ મહેશભાઇ ઉપર ભરણપોષણનો કેસ કર્યો હતો. જેની રકમ મારા ભાઇ નિયમીત ભરપાઇ કરતાં હતાં. મારા ભાભી મારા ભાઇને દિકરીને પણ મળવા દેતા નહોતાં. તેમજ ભાઇ તેના પત્નિ અને દિકરીને લેવા વડવાજડી જતાં તેમના સાળા કમલેશ, વિમલ તથા સસરા કરસનભાઇએ તેમજ મારા ભાભી મળી ચારેયએ મારા ભાઇને માર માર્યો હતો અને ક્યારેય પણ અહિ આવવું નહિ તેમ કહી ધમકી આપી હતી. મહેશભાઈને સાસરિયા હેરાન પરેશાન કરતા હોય અને મારો ભાઇ મેટોડા કામે જાય તો ત્યાં પણ તેને હેરાન કરવા પહોંચી જતાં હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સાસરિયાના ત્રાસ અંગે ભાઈએ મને તમામ વાત કરી હતી.પિયુષભાઇએ આગળ જણાવ્યું છે કે, મારા ભાઇએ એવી પણ વાત કરી હતી કે તેના પત્નિ હેતલબેનના લગ્ન અગાઉ થાન ખાતે થયા હતાં. તેના પ્રથમ પતિએ પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મારા ભાઇ છેલ્લા કેટલાક દિવસથી ખુબ ટેન્શનમાં રહેતાં હતાં. તેને દિકરી ખુબ વ્હાલી હતી પણ મારા ભાભી તેને મળવા દેતાં નહોતાં. આ કારણે પણ તે સતત દુ:ખી રહેતાં હતાં. તે મને અવાર-નવાર કહેતાં કે-મારી પત્નિ, સાળા, સસરા મને ભેગા મળી જીવવા દેશે નહિ. બાદમાં ત્રણેક દિવસ પહેલા મારા ભાઇ વિરડાવાજડી ગામે ગયેલ ત્યારે તેના સસરા, પત્નિ અને સાળા ત્યાં ભેગા થતાં આ ત્રણેય સાથે મારા ભાઇએ પત્નિ હેતલ બાબતે સમાધાનની વાત કરતાં આ ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ તારે ભરણ પોષણ આપવું પડશે અને તને છુટાછેડા પણ આપવા નથી. તારી જિંદગી ખરાબ કરી નાખવાની છે, હજુ તો તને સજા કરાવવાની છે, તને જીવવા જેવો રહેવા દેવો નથી…તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન 17મીએ મંગળવારે મારા ભાઇને કોર્ટમાં મુદ્દત હતી.સવારે હું મારા કામે જતો રહ્યો હતો. મારો ભાઇ ઘરે એકલો હતો. સાંજે પોણા સાતેક વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પાટા મારતાં નકુચો તૂટી ગયો હતો. અંદર જોતાં મારા ભાઇ મહેશભાઇએ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં મેં રાડારાડી કરતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં.
મારી વ્હાલી દીકરીને પણ મળવા દેતા નથી : સ્યુસાઇડ નોટમાં સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો
આપઘાત પુર્વે મહેશભાઇએ સ્યુસાઇડ નોટ લખી હતી જે રૂમમાં વોશીંગ મશીન પરથી મળી હતી. જેમાં લખ્યું હતું કે-હું મારી પત્નિ હેતલ, સસરા કરસનભાઇ, સાળા કમલેશ અને વિમલના ત્રાસથી આત્મહત્યા કરુ છું, આ બધા જાનથી મારી નાખવાની ધમકી આપે છે, મારી દિકરીને પણ મળવા દેતા નથી. મને મરવા મજબૂર કર્યો છે. મારી પત્નિ ખરાબ રસ્તે ચડી ગઇ છે, મને ખોટી રીતે ફસાવી હેરાન કરે છે.