‘કીવી’માં રહેલુ વિટામીન-સી, ફાઈબર, અને એન્ટીઓકિસડેન્ટ ત્વચાને ગ્લો આપવામાં, તથા ડાયજેસ્ટીવ સિસ્ટમ વધુ સક્રિય કરવામાં મદદરૂપ થાય છે

આપણે શિયાળામાં કાતિલ ઠંડીથી બચવાના અનેકવિધ ઉપાયો કરીએ છીએ સાથે શિયાળામાં ચયાપચયની ક્રિયા ઝડપી હોવાથી દરેકને ભૂખ પણ વધારે લાગે છે. જેથી તળેલો શેકેલો કંટ્રોલ રાખ્યાવગર કંઈ પણ ખવાય જાય છે. અને શરીરને ઓછામાં ઓછો કષ્ટ મળે તેવા પ્રયાસો કરીએ છીએ અને જેના કારણે શરીર આળસથી ભરાય જાય છે. અને વજન વધતુ જાય છે. પરિણામે ચહેરા પર કરચલી ડાર્ક સર્કલ્સ, દેખાવા લાગે છે. જેથી શિયાળામાં ત્વચાપરની કાંતિ (ગ્લો) ગુમ થઈ જાય છે. ત્વચા રૂક્ષ બની જાય છે. આ દરેક સમસ્યાના નિવારણની આજે ચર્ચા કરીશું.

આજે વાત કરીશું એક એવા ફળ વિશે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે. સાથે જ ત્વચામાં પણ નિખાર આવી જશે.

શિયાળાની ઋતુમાં કીવી ખાવાથી ઘણા લાભ મળે છે. કીવીને સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક માનવામા આવે છે. કીવીમાં પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઓકિસડેન્ટ જેવા પોષક તત્વો રહેલા છે. જે શરીરમાં ફેટ (ચરબી)નું પ્રમાણ વધવા પર રોક લગાવે છે. અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. કીવીનાં નિયમિત સેવનથી શરીરમાં ગુડ કોલસ્ટ્રોલની માત્રા વધે છે. અને તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

કીવી આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબુત કરે છે. અને શરીરમાં રહેલા સોજાને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.તેના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે. તે સિવાય તે શરીરનાં અંદરૂની ઘાવને ભરવામાં પણ મદદરૂપ થાય છે. કીવી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદેમંદ છે. શિયાળામાં ભૂખની તીવ્રતા વધુ હોય છે. જેના કારણે આપણે કંઈને કંઈ આરોગતા રહીએ છીએ પરિણામે કબજીયાત, અને ગેસ જેવી સમસ્યા થાય છે. તેનાથી બચવા કીવીનું સેવન હિતાવહ છે.ઈન્ફેકશનથી બચાવવામાં પણ કીવી અકસીર છે.

કીવીમાંથી વિટામીન-સી અને ફાયટોકેમિકલ્સ મળીઆવે છે. જે ત્વચા માટે લાભદાયી છે. તેમાં મોજૂદ પ્રત્યેક વિટામીન્સ ત્વચાને હીલ કરે છે. એસિવાય કોલેજન પ્રોટીન ત્વચાને સ્વસ્થ બનાવે છે. આ સાથે જ ખીલ માટે પણ કીવી બેહદ ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.