જિલ્લા પંચાયત દ્વારા દરેક તાલુકા મથકે એક સ્ટેમ લેબનું નિર્માણ
અત્યાધુનિક સુવિધાઓ વાળી આ લેબ્સ બાળકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરાવવા માટે થશે મદદરૂપ : કાલે પ્રભારી મંત્રી રાઘવજી ભાઈ પટેલના થશે આ લેબનું લોકાર્પણ
આવા હાઈ-ફાઇ કલાસરૂમના ફોટો જોઈએ પહેલા તો એવું જ થાય કે આ કલાસરૂમ અમેરિકા, યુકે, ફ્રાન્સ જેવા કોઈક વિકસિત દેશના કલાસરૂમ હશે. પણ ના, આ કલાસરૂમ આપણા રાજકોટ જિલ્લાના છે. જેનું આવતીકાલે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે.
રાજકોટની ગામડાઓની સરકારી શાળાઓમાં હવે સ્ટેમ લેબથી અધ્યાપન થશે. એસટીઇએમ ( સ્ટેમ) એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ, મેથ્સ લેબ. જે સ્ટુડન્ટ્સના બહુમુખી વિકાસ માટે બહુજ લાભદાયક હોય છે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની નાણાં પંચની ગ્રાન્ટ માંથી દરેક તાલુકાઓમાં એક એક સ્ટેમ લેબ એટલે આખા જિલ્લા માં 11 જેવી લેબ્સ બનાવી છે.
અત્યાધુનિક સુવિધાઓ વાળી આ લેબ્સ નો કાલે રવિવારે પ્રભારી મંત્રી રાઘવજી ભાઈ પટેલ અને સ્થાનિક મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા લોકાર્પણ કરવામા આવશે. આ લેબ્સનું કામ છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું. અત્યારના સ્ટુડન્ટ્સમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વધારવા માટે એ લેબ્સ ખૂબ લાભદાયક થશે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલ ધ્રોલ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરીને સાંજે 4 વાગ્યે રાજકોટની મુલાકાતે આવનાર છે. તેઓ શાપર પ્રાથમિક શાળા ખાતે આવીને ત્યાં નિર્માણ પામેલ સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરશે. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકા રીઓ પણ ઉપસ્થિત રહેશે.
ડીડીઓ દેવ ચૌધરીના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળાઓમાં સરાહનીય પરિવર્તન
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેઓના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓમાં અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે.
હવે તેઓના નેતૃત્વ હેઠળ જિલ્લામાં દરેક તાલુકા મથકે સ્ટેમ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી બાળકો અત્યાધુનિક પદ્ધતિથી શિક્ષણ મેળવી શકે.