સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર સિવિયર હીટવેવની આગાહી

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હજી બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર વધુ ગરમી પડે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. ગઈકાલે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર ૪૨.૫ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક સુધી હજી રાજયમાં હીટવેવનો પ્રકોપ જારી રહેશે.

છેલ્લા ૧૦ દિવસથી સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. આગામી ૪૮ કલાક સુધી હજી રાજયમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર વિસ્તારમાં વધુ ગરમીની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૨.૫ ડિગ્રી રહેવા પામ્યું હતું. રાજકોટનું મહતમ તાપમાન ૪૧.૭ ડિગ્રી, અમરેલી ૪૧.૮ ડિગ્રી, પોરબંદર ૩૬ ડિગ્રી અને જુનાગઢ ૩૮ ડિગ્રી સેલ્શીયસ સાથે રિતસર આકરા તડકામાં શેકાયા હતા.

બપોરના સમયે જાણે આકાશમાંથી સુર્ય નારાયણ અગ્નિ વરસાવતા હોય તેવી અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. દિવસભર કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ લોકો રાત્રીના સમયે ઠંડક મેળવવા માટે રિતસર રાજમાર્ગો પર ઉમટી પડતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મહતમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી લઈ ૪૩ ડિગ્રી સુધી ઉંચકાય તેવી સંભાવના છે.

રાજયભરમાં હીટવેવની આગાહીના કારણે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જેમાં લોકોને બપોરે ૧ થી ૫ દરમિયાન કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અને સનસ્ટ્રોકથી બચવા શકય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.