રાજકોટનું લઘુત્તમ તાપમાન 16.05 ડિગ્રી નોંધાયું, હવામાં ભેજ 96 ટકા રહેવા પામ્યું
અબતક-રાજકોટ
આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શિયાળાની સાથોસાથ કમૌસમી માવઠાંએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. જો કે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સવારે ગુલાબી ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે અને રાત થતાંની સાથે જ ફરી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 ફેબ્રુઆરી સુધીમાં ફરી એકવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારબાદ ધીમેધીમે ઠંડી ગાયબ થતી દેખાશે અને લોકોને ગરમીનો અહેસાસ થવા લાગશે.
રાજકોટમાં આજે સવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 17.08 ડિગ્રી જેટલું નોંધાયું હતું. પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિકલાક અને હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા રહેવા પામ્યું હતું. જ્યારે બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું રહેવાથી ગરમી અનુભવાઇ હતી.વધુમાં હવામાન વિભાગના જણાવ્યું મુજબ આગામી બે-ત્રણ દિવસ બાદ જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે ત્યારે તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. જેથી આ દિવસોમાં તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી પણ સંભાવના છે.
આ ઉપરાંત આ વર્ષે ગરમીની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર તો જશે પરંતુ 45 સુધી પહોંચે તો પણ નવાઇ નહીં કેમ કે આ વર્ષે તો શિયાળા સિઝનમાં વધારે વખત માવઠાં આવતા ખેડૂતોઓએ પણ હાલાકી ભોગવી પડી હતી.