લગ્ન આપણા જીવનનો સૌથી મુશ્કેલ અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. દરેક માણસ લગ્ન પછી ખુશ રહેવા માંગે છે. પરંતુ ઘણા કિસ્સામાં લગ્ન પછી થોડા વર્ષો માટે કપલમાં એકબીજા પ્રત્યે આકર્ષણ અને પ્રેમ રહે છે, ત્યારબાદ આ પ્રેમ રસ દૂર થઈ જાય છે અને પછી તેઓ જાણે પોતાના સંબંધોનો બોજ ઉઠાવતા હોય તેમ લાગતું હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ લગ્ન કરી લીધા છે અથવા લગ્ન કરવા જઈ રહ્યા છો, તો તમારું લગ્નજીવન માત્ર એક બોજ ન બની જાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સંબંધોમાં કોમ્યુનિકેશન ગેપ ન આવવા દો
તમારા પાર્ટનર સાથે હંમેશા વાત કરતા રહો. તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પરંતુ તમારા પાર્ટનર સાથે બેસીને વાત કરવા માટે દરરોજ ઓછામાં ઓછો 1 કલાકનો સમય કાઢો. આ વાતચીત દરમિયાન તમારા સાથીને તેના દિવસ વિશે, તેની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે પૂછો. આમ વાત કરીને તમે બીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકો છો. તેથી તમારા સંબંધોમાં કોમ્યુનિકેશન ગેપ ન રાખો.
જો કંઈક ખોટું થાય, તો વાત કરો
સંબંધોમાં હંમેશા નાની-નાની સમસ્યાઓ આવતી હોય છે. આવી સ્થિતિમાં જો તમને તમારા જીવનસાથી વિશે કંઇક ખરાબ અથવા ખોટું લાગે તો ઝઘડો કરવાને બદલે તમારા પાર્ટનર સાથે શાંતિથી વાત કરો. તેમને સમજાવો અને તમારી વાત ખુલ્લા મને રજૂ કરો.
ગુસ્સો ન કરો
ગુસ્સો સારા સંબંધનો પાયો નબળો પાડે છે. જો તમને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવતો હોય તો પણ પાર્ટનર સમક્ષ કે પાર્ટનર ઉપર ગુસ્સો ન કરો, નિયંત્રણ રાખો. કોઈપણ સંબંધમાં ખુશી જાળવવા માટે તમારા માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે.
એકબીજા પર વિશ્વાસ કરો
સંબંધોમાં તિરાડનું સૌથી મોટું કારણ શંકા છે. જ્યારે સંબંધોને એકસાથે બાંધી રાખતું મજબૂત સૂત્ર વિશ્વાસ છે. તેથી તમારે તમારા પાર્ટનર પર વિશ્વાસ કરવો જોઈએ. ભલે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો પરંતુ શંકાને પણ પ્રેમ સબંધમાં કોઈ સ્થાન નથી.