ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજ્યા બાદ પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપવા માગુ છું કે 31 જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પછી આચારસંહિતા દૂર થતાં રાજ્યમાં ગરમી વધવાને કારણે પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે રિવ્યૂ બેઠક મળી હતી. જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઇ હોત. આ નેટવર્કની મદદથી આપણે રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું છે.
આપણે આજી ડેમ(રાજકોટ), રણજીત સાગર ડેમ(જામનગર) અને મચ્છુ ડેમ બે-બે વાર ભર્યા છે. તેમજ હજુ પણ જરૂર પડશે ત્યાં ડેમ ભરીને પાણી પહોંચાડીશું. કચ્છમાં કેટલ કેમ્પને ઘાસચારો પહોંચાડ્યો છે.