- ઢોરની ઢીંકે યુવાન મના મોત મામલે મનપાને રૂ. 13.70 લાખ ચૂકવવા અદાલતનો આદેશ
હવે રખડતા ઢોર મામલે મનપાની બેદરકારી ચલાવી નહિ લેવામાં આવે તે પ્રકારનો આદેશ અદાલતે આપ્યો છે. જેમાં ઢોરની ઢીંકે યુવાનનું મોત નીપજવા મામલે મનપાને વળતર સ્વરૂપે રૂ. 13.70 લાખ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટની સિનિયર સિવિલ કોર્ટે રાજકોટ મહાનગરપાલિકા વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રાજકોટમાં 2018ની સાલમાં રેઢિયાળ ઢોરની ઢીકથી બાઇકચાલક યુવાનનાં મોત નીપજવાના બનાવમાં અદાલતે રાજકોટ મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી મૃતકના વારસદારોને રૂ.13.70 લાખ વળતર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતો મુકેશ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.17-08-2018ના રોજ પોતાના મોટરસાઇકલ ઉપર રાત્રીના 9 વાગ્યે મહાકાળી ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે માર્ગમાં રખડતી ગાયે ઢીક મારતા સર્જાયેલા અકસ્માતમાં રસ્તા પર પટકાવવાથી મુકેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટના બાદ મૃતકના વિધવા પત્ની મીનાબેન મુકેશભાઈ તથા તેમના બે સગીર સંતાનોએ રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૃહ સચિવ અને સરકારને કાયદેસરની નોટિસ આપી આ તમામ સત્તાવાળાઓની કાયદેસરની ફરજો બજાવવામાં નિષ્ફળતા બદલ અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી બદલ તેઓની વિરુદ્ધ રૂ. 15,00,000નું નુકસાન વળતર મેળવવા રાજકોટની સિનિયર સિવિલ કોર્ટ સમક્ષ દીવાની દાવો દાખલ કર્યો હતો.
આ કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદીના વકીલે એવી દલીલ કરી હતી કે, આ બનાવ બન્યો ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનમાં ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી અને સરકારી તંત્રની આવા રખડતા ઢોરોને પકડવામાં બેદરકારી અને નિષ્કાળજી રાખવા બદલ ગુનો દાખલ કરવાને બદલે મોટરસાઇકલના ચાલક મુકેશભાઈ વિરુદ્ધ આઇપીસીની કલમ 249, 304-એ વગેરે મુજબ ગુનો દાખલ કરી મૃતક વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
આ દાવામાં સિનિયર સિવિલ કોર્ટે વાદીઓ તરફથી વકીલ કે.બી. રાઠોડે સુપ્રીમ કોર્ટ તથા દિલ્હી હાઇકોર્ટ તેમજ પંજાબ હરિયાણા હાઇકોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ હતી. સિનિયર સિવિલ કોર્ટે તેઓની દલીલ ગ્રાહ્ય રાખી વાદીની તરફેણમાં ચુકાદો આપેલ છે. રાજકોટની એડિશનલ સિનિયર સિવિલ જજ આઈ. એમ. શેખની કોર્ટે મૃતક મુકેશભાઈના વારસદારોને દાવો મંજૂર કરી રૂપિયા 13,70,000નું નુકસાન વળતર વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કરેલ છે.