કલેકટર તંત્ર અને રાઈડ્સ સંચાલકો બન્ને પોતાના સ્ટેન્ડમાં અડગ, મેળો રાઈડ વગરનો રહે તેવા એંધાણ : સાંજે હરાજીનો ફરી ત્રીજી વખત બહિષ્કાર થાય તો નવાઈ નહિ
લોકમેળાના રાઈડ્સના પ્લોટની હરાજી માટે આજે સાંજે ફરી વેપારીઓને બોલાવવામાં આવ્યા છે. જો કે જિલ્લા કલેકટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સુરક્ષાને ધ્યાને લઈને રાઈડ્સની એસઓપીમાં કોઈ બાંધછોડ કરવા તેઓ તૈયાર નથી. એટલે જો હરાજી નહિ થાય તો મેળો રાઈડ વગરનો રહે ઘાટ સર્જાયો છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં તા.24થી પાંચ દિવસીય લોકેમળામાં 121 સ્ટોલનો ડ્રો થયા બાદ 94 રાઈડ્સ અને આઈસ્ક્રીમના પ્લોટની હરાજીમાં કોકડું ગુચવાયા બાદ કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે નિયમ બદલવા સ્પષ્ટ ઈન્કાર કરી તા.8ના ત્રીજી વખત હરાજી કરવાની જાહેરાત કરી છે. જે હરાજી આજે સાંજે થવાની છે.
રાઇડ્સ સંચાલકો આ હરાજીમાં ભાગ લે છે કેમ તેના ઉપર મીટ મંડાઈ છે.ગેમઝોન દુર્ઘટના બાદ રાઈડ્સ માટે રાજ્ય સરકાર દ્વારા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં એનડીટી રિપોર્ટ, સોલ રિપોર્ટ અને ફાઉન્ડેશન ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નિયમ સામે રાઈડ્સ સંચાલકોએ વિરોધ નોધાવી છૂટછાટ આપવા માંગણી કરવામાં આવી છે. આ માટે કલેક્ટર સાથે બબ્બે વખત મંત્રણા કરવામાં આવી છે.
અગાઉ કલેક્ટર સાથેની બેઠકમાં કમિટીના સભ્યો પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગના ઈજનેર, જીએસટી અધિકારી પણ હાજર રહ્યા હતા.રાઈડ્સ સંચાલકોએ જે નિયમ હળવા કરવાની માંગણી કરી હતી તેનો કમિટીએ ઈન્કાર કરી દિધા બાદ કહ્યું હતું કે, પાંચ દિવસીય લોકમેળામાં 8-10 લાખ લોકો આવતા હોય રાઈડ્સ સંચાલકોને કમાણી થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આજે સાંજની હરાજીમાં રાઈડ્સ સંચાલકો ભાગ નહિ લ્યે તો પછી પ્લોટના વિકલ્પે અન્ય રસ્તો વિચારવામાં આવશે.