ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોનની સાથે તેમની પત્ની બ્રિગિટ મેરી ક્લાઉડ પણ આવ્યાં છે. શનિવારે સવારે મેક્રોન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ પોતાની પત્ની બ્રિગિટ સાથે રાજઘાટ પહોંચી, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડીવારમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ થશે જેમાં સમુદ્રી સુરક્ષા, આતંકવાદ, હિંદ મહાસાગરમાં સહયોગ વધારવા સહિતના મુદ્દે વાતચીત થઈ શકે છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોનની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોનને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ અંગેની તૈયારીની સમીક્ષા કરી હતી. મેક્રોન જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બનશે.