આગામી બે-ત્રણ દિવસ ઠંડીનું થોડુ જોર વર્તાશે: 9મીએ નવુ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાશે
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ હજી ઠંડીનું જોર જોવા મળશે. 9મી ફેબ્રુઆરીએ હિમાલયની તળેટીમાં નવુ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાશે. જેની અસરતળે રાજ્યમાં ઠંડીનો એક નવો રાઉન્ડ આવશે. 15મી ફેબ્રુઆરી બાદ એકાદ મહિનો સવારે અને રાત્રે ઠંડી જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થશે. શિયાળાની સિઝન હવે વિદાય લેવા તરફ આગળ વધી રહી છે અને દશેક દિવસમાં ઉનાળાના પગરવ થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી બે થી ત્રણ દિવસ તાપમાનનો પારો હજી 13 થી 14 ડિગ્રી આસપાસ રહેશે. દરમિયાન 9મીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ બની રહ્યું છે. જેની અસર તળે ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ આવશે. જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ 20 દિવસથી એક મહિના સુધી મિશ્ર ઋતુનો અનુભવાશે ત્યારબાદ ઉનાળાનો પગરવ થશે. આજે રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે.
જો કે હજુ ઠંડીનો વધુ એક રાઉન્ડ 15 ફેબ્રુઆરી સુધીમાં આવી જશે ત્યારબાદ ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે અને માર્ચથી ચામડી દઝાડી દે તેવો તડકો અને અસહ્ય ગરમી શરૂ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં હાલમાં ઠંડીનું જોર વધુ દેખાઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 10 ડીગ્રી ઉપર રહેવા પામ્યો છે અને બપોરે ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે.