સૌરાષ્ટ્ર હિમયુગમાં પરિવર્તયુ
આબુમાં માઇનસ ૬ ડિગ્રી: નખી તળાવ બરફનું મેદાન બન્યું: ઠંડી હજુ હાજા ગગડાવશે
ચાલુ વર્ષે જેમ વરસાદે સીઝન બાદ માઝા મુકી તેમ આ વર્ષે પાછળથી ઠંડી પણ બોકાસો બોલાવશે. હાલ ઠંડીની આગાહી મુજબ આ વર્ષે ઠંડી વર્ષોનો રેકોર્ડ તોડે તો કઈ નવાઈ નહિ ! શીત લહેરને કારણે સૌરાષ્ટ્ર જાણે હિમયુગમાં પરિવર્તિત થયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં પણ ચાલુ વર્ષે ઠંડીનો પારો ૦ ડિગ્રીએ પહોચે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.
શીત લહેરને કારણે રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલની સ્થિતિએ ઠંડીનો પારો ૬ ડિગ્રી નોંધાયો છે. આબુનું નખી તળાવ બરફનાં મેદાનમાં ફેરવાઈ ગયું છે. ચાલુ વર્ષે ઠંડી હજુ હાજા ગગડાવે તેવી પુરેપુરી શકયતા છે.
ઉતર ભારતમાં શીત લહેરની અસરે મોટાભાગના રાજયોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં તો અનેક સ્થળે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર જામ્યા છે.
ઉતર ભારતમાંથી ફૂંકાતા બર્ફિલા પવનોથી રાજયમાં સહનશકિતની કસોટી કરતી, હાડ થીજાવતી ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરનાં લોકો કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રભરમાં કોલ્ડવેવ અને અમુક સ્થળોએ સિવિયર કોલ્ડવેવ ફરી વળ્યું છે. રાજકોટ-સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી અને કેશોદમાં સૌથી ઓછુ તાપમાન આજે નોંધાયું છે. કેશોદમાં ઠંડીનો પારો ૮ ડિગ્રીથી નીચે ગગડયો છે. પવનની ગતિની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પ્રતિ કલાક ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હાલ તો હજુ ત્રણ -ચાર દિવસ હાડ ધ્રુજાવી દેતી ઠંડી પડવાની આગાહીઓ થઈ રહી છે. પરંતુ ચાલુ વર્ષે તીવ્ર ઠંડા પવન સાથે ઠંડી વર્ષોનો રેકોર્ડ તોડે તેવું અનુમાનના આધારે જણાઈ રહ્યું છે.
ઠંડીની તીવ્ર અસરને કારણે લોકો સાંજ પડતાની સાથે બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. અતિશય ઠંડીએ જ જાણે રાત્રિ કર્ફયુ લગાડી દીધું છે ! છેલ્લા બે દિવસથી રાજમાર્ગો પર વાહનોની ચહલપહલ ખૂબજ ઓછી જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોલ્ડવેવ જારી રહેવાની આગાહી થઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે યલો એલર્ટ જારી કરાયું છે. એટલે કે પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી ગણાવાઈ છે. તા.૩૧ થી ૨ જાન્યુઆરી ઠંડી માફક રહેશે પરંતુ ત્યારબાદ ફરી લોકોનાં હાજા ગગડાવી દેતી ઠંડી પડવાની આગાહીઓ થઈ રહી છે.