આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધતું જશે, ઘણાં શહેરોમાં તાપમાન ૮ ડિગ્રીથી નીચું જશે
નવેમ્બર પૂર્ણ થતાં-થતાં ઠંડીનો ચમકારો લાગવાનું શરુ થઈ જતું હોય છે આ પછી ડિસેમ્બર શરુ થતાં ઠંડી જામવા લાગે છે પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો અહેસાસ નથી થઈ રહ્યો. જોકે, કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમ કપડા પહેરવા પડ્યા હતા. પરંતુ હવે આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થશે અને ઠંડી ધીમે-ધીમે જોર પકડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી માવઠા થયા અને તેની અસર પણ દૂર થઈ ગઈ છે. આ ડિસ્ટર્બન્સ દૂર થતાં આગામી ૩ દિવસમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો ૮ ડિગ્રી કરતા પણ નીચે જઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં આજથી જ ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાતથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધી ગયું છે અને તેના કારણે હવે શિયાળાની અસર જોવા મળશે. શિયાળાની અસર વધતા ખેડૂતોના ચહેરા પર ખુશહાલી જોવા મળશે, કારણ કે પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતો ડરાવી દીધા હતા કમોસમી વરસાદ બાદ રાજ્યના ઘણાં ભાગોમાં સવારના સમયે બે દિવસથી ધૂમ્મસ છવાઈ જતું હતું આ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, સાથે વિઝિબ્લિટી ઘટવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદ થવાના કારણે વાતાવરણ માં ઠંડી વધવાની સાથે શિયાળાનો અહેસાસ પણ થઈ રહ્યો છે. હવે આ ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી દૂર થયું હોવાથી ઠંડીનું જોર ધીમે-ધીમે વધતું જશે. અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ, ભૂજ, વલસાડ, વલ્લભ વિદ્યાનગર સહિતના ભાગોમાં ઠંડીનું જોર સવાર દરમિયાન વધ્યું છે, કારણ કે અહીં સવારના તાપમાનમાં પારો ૨૦ ડિગ્રી કરતા નીચો ગયો છે, જેમાં આગામી સમયમાં હજુ ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.