અભ્યારણ્યમાં મંજુરી વગર જતા પ્રવાસીઓને રોકાશે સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરવું ફરજીયાત
પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્ય દરે વર્ષે તા.૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર દરમ્યાન ચોમાસાની સીઝન દરમ્યાન પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકી બંધ રાખવામાં આવે છે અને ૧૬ ઓક્ટોબરથી આ રણને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધ્રાંગધ્રા અભ્યારણ્ય વિભાગ અને બજાણા રેન્જ ઓફીસ દ્વારા પ્રવાસીઓ માટે રણ ખુલ્લુ મુકવામાં આવે છે.પરંતુ બજાણા રેન્જ ફોરેસ્ટની ઓફીસ રણમાં જવાના રસ્તાથી બે કિ.મી. દુર હોય કેટલાક પ્રવાસીઓ અભ્યારણ્ય વિભાગની પરમીશન વગર રણમાં જતાં રહેવાના બનાવો બનતા હતાં.
આથી અભ્યારણ્ય વિભાગ દ્વારા બજાણાથી રણમાં જવાના મુખ્ય રસ્તા પર ગેઈટ બનાવી ચેકપોસ્ટ ઉભી કરી હતી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું હતું કે બજાણામાં રણમાં જવાના રસ્તેથી ઓફીસ દુર હોય કેટલાક પ્રવાસીઓ રણમાં પરમીશન વગર જતાં રહેતાં અને પછી ક્યાંક ને ક્યાંકને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. રણના રસ્તાઓ જોયા ન હોય અને ભુલા પડે ત્યારે રણ વિસ્તારમાં મોબાઈલ કવરેજ પણ આવતું ન હોય ત્યારે અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હતા આથી આ ચેકપોસ્ટ ઉભી કરતા દરેક પ્રવાસીઓને પરમીશન અને પરમીટ લઈને રણમાં જશે આથી કોઈ મુશ્કેલી ન પડે અને ગાઈડ સાથે જશે.
આ ચેકપોસ્ટથી પ્રવાસીઓનું નિયમન પણ જળવાઈ રહેશે અને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો મળી રહેશે અને હાલમાં કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્લી ગાડીમાં કે અન્ય વાહનમાં ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓ રણમાં જઈ શકશે અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર સાથે રાખી રણમાં પ્રવેશ કરી શકશે. આમ કોરોનાની મહામારીના નિયમોને ધ્યાને લઈ ખારાઘોડા બજાણાનું રણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ તકે મદદનીશ વન સંરક્ષક પી.બી.દવે, બજાણા આરએફઓ પી.જે.પાટડીયા, ધ્રાંગધ્રા આરએફઓ કે.એ.મુલતાની, આરએફઓ એમ.આર.મેર સહિત વનસંરક્ષકો, ગાઈડો, સરપંચ તથા ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.