દિવ્યાંગ સ્ટાફને કોઈ તકલીફ ન પડે તેવી રીતે ખાસ કંટ્રોલ રૂમમાં પણ ડ્યુટી અપાશે : કુલ 375 જેટલો દિવ્યાંગ સ્ટાફ ચૂંટણી ફરજ નિભાવશે
રાજકોટ જિલ્લાની દરેક વિધાનસભા બેઠકમાં 7 મહિલા તથા એક દિવ્યાંગ સંચાલિત બુથ હશે. વધુમાં દિવ્યાંગ સ્ટાફને કોઈ તકલીફ ન પડે તેવી રીતે ખાસ કંટ્રોલ રૂમમાં પણ ડ્યુટી અપાશે. કુલ 375 જેટલો દિવ્યાંગ સ્ટાફ ચૂંટણી ફરજ નિભાવશે.
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે. હવે ચૂંટણી જાહેર થવાના છેલ્લા દિવસો ગણાય રહ્યા છે. ત્યારે તંત્ર પણ ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય હાલ સજ્જ બન્યું છે. આ અંગે ચૂંટણી વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠકોમાં 7-7 મહિલા સંચાલિત બુથ હશે. એટલે જિલ્લામાં કુલ 56 બુથ મહિલા સંચાલિત હશે. આ ઉપરાંત આઠેય વિધાનસભા બેઠકમાં એક-એક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે એટલે જિલ્લામાં કુલ 8 દિવ્યાંગ મતદાન મથક હશે.
બીજી તરફ દિવ્યાંગ મતદારોને ચૂંટણી ફરજ નિભાવી તેવી સંતોષકારક અનુભૂતિ થાય અને તંત્રને સરળતા પણ રહે તે માટે કંટ્રોલ રૂમમાં પણ દિવ્યાંગોને તેમની યથાશક્તિ મુજબ ફરજ સોંપાશે. આ ઉપરાંત દરેક વિધાનસભામાં દિવ્યાંગ માટે એક એક ખાસ મતદાન મથક હશે તેના પણ દિવ્યાંગ કર્મચારીઓ જ ફરજ બજાવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં 7 જિલ્લાની કરી સમીક્ષા
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ ખાતે સાત જિલ્લાની સર્વગ્રાહી સમિક્ષા કરાઇ હતીરાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટરો અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી.
આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચને આવકાર્યું હતું. આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટર સૌરભ પારધી, મોરબી કલેકટર જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.
મતદાર જાગૃતિ માટે 100થી વધુનો સ્ટાફ ધરાવતા 200 ઉદ્યોગો સાથે તંત્ર સતત સંપર્કમાં
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકો વધુમાં વધુ મતદાન કરે તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર 100થી વધુનો સ્ટાફ ધરાવતા 200 જેટલા ઉદ્યોગોના સતત સંપર્કમાં છે. અને ઉદ્યોગના એચઆર ડિપાર્ટમેન્ટ મારફત જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
લો એન્ડ ઓર્ડરને લીધે નહિ અન્ય બે કારણોસર અમુક બુથમાં ઓછું મતદાન થતું હોવાનું અનુમાન
રાજકોટ જિલ્લામાં અમુક મતદાન મથકો ઉપર ઓછું મતદાન નોંધાઇ છે. આ મતદાન મથકો ઉપર તંત્ર દ્વારા પુરજોશમાં જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મળતી વિગતો અનુસાર આવા બુથમાં ઓછું મતદાન થાય છે તેનું કારણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ નથી. અન્ય બે કારણો છે. એક તો આળસ અને બીજૂ મતાધિકારનો ઉપયોગ કરવાની ગંભીરતાનો અભાવ.
બુથ સુધી આવવા સક્ષમ ન હોય તેવા સિનિયર સીટીઝન અને દિવ્યાંગોનો બીએલઓ કરશે સર્વે
ચૂંટણી જાહેર થયા બાદ જે સિનિયર સીટીઝન અને દિવ્યાંગો મતદાન મથક સુધી આવવા સક્ષમ ન હોય તેવોનો બીએલઓ દ્વારા સર્વે કરવામાં આવશે. જો તેઓ હકીકતમાં અસમર્થ હશે તો તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું ફોર્મ બીએલઓ ભરી આપશે. બાદમાં આવા મતદારોને ઘરેથી જ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે. આ વેળાએ પોલિંગ અને વિડીયોગ્રાફી ટિમ પણ તેની ઘરે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના 52 હજાર સિનિયર સીટીઝન છે. 15 હજારથી વધુ દિવ્યાંગ છે.