સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપ મુકત થયેલા વણઝારાએ ન્યાય તંત્રનો આભાર માન્યો

૨૦૦૫ના વર્ષમાં ચકચારભર્યા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને ઓસરબી હત્યા કેસમાંથી ગુજરાતની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડના ભૂતપૂર્વ વડા ડી.જી.વણઝારાને મુંબઈની સીબીઆઈ કોર્ટે તેમની વિરુધ્ધ કેસ ચલાવવા માટે સબળ પુરાવા ન હોવાના કારણસર આરોપ મુકત કર્યા છે. એવી જ રીતે તેમની સાથે સંકળાયેલા રાજસ્થાનના આઈપીએસ અધિકારી દિનેશ એમ.એન.ને પણ કોર્ટે ડિસ્ચાર્જ કર્યા છે. આ સાથે હવે કેસમાં ટોચના પોલીસ અધિકારીઓનો આપમેળે છુટકારો થઈ ગયો છે અને તેમના તાબા હેઠળના નાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પુરતો કેસ સીમીત બન્યો છે.

રીટાયર્ડ આઈપીએસ ઓફિસર ડી.જી.વણઝારાએ આરોપ મુકત થયા બાદ કહ્યું હતું કે, સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતી એન્કાઉન્ટર સાચુ હતું અને આ બાબતે અંતે સત્ય સામે આવી ગયું છે. વણઝારાએ આરોપ મુકત થયા બાદ એમ પણ કહ્યું હતું કે, ઈશરત જહાંના બનાવટી એન્કાઉન્ટર કેસમાં પણ તે ટૂંક સમયમાં ન્યાય મેળવશે. વણઝારાએ કહ્યું હતું કે, તેઓ શ‚આતથી જ કહી રહ્યાં હતા કે એન્કાઉન્ટર બનાવટી નથી. આ એન્કાઉન્ટરમાં કોઈપણ ષડયંત્ર હતુ નહીં. સાચે જ ઠાર થયેલા લોકો આતંકી હતા. જો કે હવે કોર્ટે પણ આરોપમુક્તિનો આદેશ આપી દેતા દુધનું દૂધ અને પાણીનું પાણી થયું છે.

બીજી તરફ વણઝારાએ પોતાના નિવેદનમાં કેન્દ્ર સરકાર અને સીબીઆઈ ઉપર આક્ષેપો કરવાનું ટાળતા કહ્યું હતું કે, જે કાંઈ થયું તે ભૂતકાળ હતો તેને ભૂલી જવો જોઈએ. હું ભારતના ન્યાયતંત્રનો આભાર માનુ છું કે મને ન્યાય મળ્યો. ન્યાય મળતા વાર લાગી પણ અંતે તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. વધુમાં વણઝારાએ એમ પણ કહ્યું હતું કે, ૮ વર્ષના જેલના સળીયા પાછળ કાઢવા ખુબ આકરા હતા પરંતુ હવે તેઓ જીવનને હકારાત્મક રીતે લઈ રહ્યાં હોવાનું કહ્યું હતું.

વણઝારાની ૨૪ એપ્રિલ ૨૦૦૭માં ૨૦૦૫ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ૨૦૧૪ના વર્ષમાં મુંબઈ કોર્ટે વણઝારાને જામીન આપ્યા હતા. આ કેસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, નવેમ્બર ૨૦૦૫માં આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્રના સાંગલી ખાતે જઈ રહેલી બસને આંતરીને સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરનું અપહરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતમાં જુદા જુદા સ્થળે ગોંધી રાખી ૨૬ નવેમ્બરના નારોલા સર્કલ પાસે ઠાર મારવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.