લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઈ ગયો છે. એને કારણે દેશનાં રાજકીય હવામાનમાં એકાએક ગરમી આવી છે. ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો સાથે સંતલસ કરીને સર્વસંમતિથી આફભ કાર્યક્રમ નકકી કર્યો હશે તો એ અંગે રાજકીય વિવાદ-તકરાર નહિ થાય. પરંતુ જે રીતરસમથી આ કાર્યક્રમ ઘોષિત થયો છે. એ દાળમાં કાંઈક કાળાંની ચાડી ખાય છે!
પક્ષપલટાની અનૈતિક યુકિત-પ્રયુકિતીઓ અને સિધ્ધાંત વિહોણાં રાજકારણની ઉઘાડે છોડે ગતિવિધિઓ વચ્ચે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થયો છે. ઉતાવળ અને છાનગપતિયાંની છાપ આ ઘોષણામાં છતી થઈ જ છે. જે પ્રજાએ વિશ્વાસ રાખીને અને આદર્શ લોકપ્રતિનિધિત્વ દ્વારા મત વિસ્તારને આરાધ્યદેવ સમજીને તેના વિકાસની તથા પ્રજાની મુશ્કેલીઓનાં ઉકેલની અપેક્ષા સાથે ચૂંટયા હોય એ લોકો પ્રધાન પદ અને અન્ય લાભોને ખાતર મતદારોને વ્યવસ્થિત રીતે પૂછયા વિના અને તેમને વિશ્વાસમાં લીધા વિના પક્ષ પલટો કરી નાખે મૂળ પક્ષને છેહ દયે એને રાજકીય ઉતાવળ નહિ તો શું કહેવું? હવે જયારે પ્રજાના મત માટે ફરી પ્રજાની પાસે જવાનું થશે ત્યારે જાતજાતનાં ગલ્લાં તલ્લાં કરવાનો વખત આવશે જ ને, એવો પ્રશ્ન ઉઠે છે!
ઐતિહાસિક દાંડીકૂચની વર્ષગાંઠને ટાંકણે અને ગાંધી વિચારધારાની અનિવાર્યતાને વખતે જ એનો દ્રોહ કરવામાં કોઈ પોતાનું ગૌરવ સમજે એવો ઘાટ સર્જાયો છે!
કમનશીબે આપણા દેશની આબરૂ અને નીતિમતા કસોટીએ ચડયા છે એવા વખતે આવો ઘાટ સર્જાયો છે !
આપણા દેશની પ્રજાએ સ્વાતંત્ર્ય સંગ્રામ અને દાંડીકૂચની તવારિખી ઘટના વખતે જે કાંઈ ઝાંખ્યું હતુ તે તેને લગીરે મળ્યું નથી.
એક ધાર્મિક નેતાએ તો એવી ટકોર કરી હતી કે, આપણો દેશ ભગવાનના ભરોસે જ ચાલે છે, બાકી કોઈ નેતા આ દેશનું શાસન ચલાવી શકે તેમ નથી ! આપણે આટલા વર્ષોમાં ઘણું બધુ ખોઈ બેઠા છીએ.
વિદેશી શાસનની લાંબા ગાળાની ગુલામી પછીએ આપણે આઝાદી પામી શકયા એનું કારણ આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતા સાબૂત રહ્યા હતા. હવે તો એના ઉપર આપણે પોતે જ રાજગાદીલક્ષી રાજકારણ અને અપવિત્ર ચૂંટણી પ્રથાના કૂઠારાઘાત વડે એને ર્જીણશીર્ણ કરી બેઠા છીએ ! દેશનાં નવનિર્માણનો એકમાત્ર લક્ષ્ય અભેરાઈએ ચઢાવીને પ્રજાએ મૂકેલા ભરોસાને ચકનાચૂર કરી બેઠા છીએ.
લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઈ જતાં હવે ચીલાચાલુ બની ગયેલી ગતિવિધિઓ થશે ! એમાં જાતજાતનાં વચનો અપાશે, સંકલ્પો દર્શાવાશે અને દેશના સ્વર્ગસમો બનાવી દેવાના પ્રલોભનો અપાશે.
આવા ચૂંટણી ઢંઢેરાઓમાં આ અગાઉ અપાયેલા વચનો પૈકી મોટા ભાગના હજુ જેમના તેમ રહ્યાં છે જેમાં અયોધ્યા મંદિર, સમાન નાગરિક ધારો, બંધારણની કાશ્મીર અંગેની કલમ ૩૭૦ની નાબૂદી,ગરીબાઈને ખતમ કરવાની બાંહેધરી, આયારામ-ગયારામ (પક્ષપલટા)નાં ભયાનક અનિષ્ટને નાબૂદ કરવાની બાંહેધરી, જેના માટે જૂના જનસંઘ ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ચીમનભાઈ શુકલે રાજકોટમાં ઉપવાસ છાવણી(તપોભૂમિ)ક સર્જીને નવતર ચીલો પાડયો હતો), તેમજ ભ્રષ્ટાચારની નાબૂદી જેવા મૂદ્દાઓનો સમાવેશ થયો હતો.
આવા ચૂંટણી ઢંઢેરાનું પાલન કરવાનું અનિવાર્ય નહિ હોવાનું દર્શાવીને ભાજપના સીનીઅર નેતા શ્રી એલ.કે. અડવાણીએ એવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કે, ‘ધેય આર નોટ બાઈબલ’… અત્યારે તો ‘ચૂંટણી ઢંઢેરા’ (ઈલેકશન પ્રોકલેમેશન)ની કશી વજુ દ જ રહી નથી.
સરકારે તેની પાંચ વર્ષની મુદતમાં રાષ્ટ્રનાં નવ નિર્માણ માટે અને દેશની પ્રજાના ઉત્કર્ષ ઉન્નતિ માટે શું શું કર્યું તેનો જાયજો પ્રજાને આપવાનો ધર્મ બજાવવો ઘટે અને હવે પછી તે શું શુયં કરવા ધારે છે. તેનું પ્રામાણિક વચન આપવાનો ધર્મ પણ બજાવવો ઘટે ! ચૂંટણી ઢંઢેરાનું બરાબર પાલન નહિ કરનાર સરકારને અને શાસક પક્ષને પ્રજા ચૂંટણી વખતે જાકારો આપે એમાં શી નવાઈ? વિરોધ પક્ષોએ પણ તેમની રાષ્ટ્રીય હિતની ભૂમિકા બરાબર બજાવીને સરકારને રાષ્ટ્રીય હિતોનાં અને પ્રજાહિતનાં પગલાં લેવાની ફરજ પાડવી જોઈએ. આપણા દેશની ધર્મસત્તા પણ આપણા રાષ્ટ્રનોજ એક ભાગ છે. તેણે રાજસત્તાની સાથે સાંઠગાંઠ સાધીને પોતાની ધજાપતાકાઓને મોખરે રાખવાની માનસિકતાને દૂર કરવી જોઈએ આપણા દેશમાં ધમો અને સંપ્રદાયો વચ્ચે જબરી સ્પર્ધા ચાલી રહી છે જેનાં પડઘા છેક વિદેશો સુધી પડયા કરે છે અને ભકતો એમની વિભિન્ન ધાર્મિક ફિલ્સુફીઓમાં ગૂંચવાયા કરે છે.લોકસભાની આ વખતની ચૂંટણી કેવી નીવડશે તે જોવાનું રહે છે.