કાલે સવારથી જ લોકોના અગાસી પર ધામા: ચીકી, મમરાના લાડુ, શેરડી, જીંજરાની સાથે બપોરે માણશે ઉંધીયાની મજા: ગૌશાળા-પાંજરાપોળના ગૌસેવકો ચોકે-ચોકે મંડપ નાખી ફાળો એકત્ર કરશે તો દાતાઓ પણ ઉદારદિલે દાન આપી પુણ્યનુ ભાથુ બાંધશે: રાશિ પ્રમાણે દાનનું મહત્વ વધુ: પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ તેને બચાવવા એનીમલ હેલ્પલાઈન સજજ

કાલે સૌનો પ્રિય એવો મકરસંક્રાંતિનો તહેવાર છે લોકોમાં ઉતરાયણ ઉજવવાનો અનેરો ઉમંગ છવાયો છે. બજારમાં પણ મકરસંક્રાંતિ પર્વને લઈ ધમધમાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા સજજ થયા છે. મકરસંક્રાંતિએ દાન પુણ્યનું પણ અનેરું મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં પણ આ દિવસે દાન-પુણ્ય કરવાથી અનેકગણું ફળ મળતું હોવાનો ઉલ્લેખ છે. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજજો અપાયો છે ત્યારે આ દિવસે ગૌમાતાની સેવાને વિશેષ મહત્વ અપાયું છે.

DSC 0245

મકરસંક્રાંતિ પર્વને લઈને બજારમાં પણ દિવસો અગાઉ તૈયારીઓ થવા લાગી હતી. પતંગ-માજા ઉપરાંત શરીરને સ્વાસ્થ્ય પ્રદાન કરતી ચીકીનું વેચાણ શરૂ થયું હતું. કાલે નાના-મોટા સૌ કોઈ સવારથી જ પતંગ-દોરાની સાથે સાથે ચીકી, મમરાના લાડુ, જીંજરા, શેરડી વગેરે અગાસી પર લઈ જઈ આખો દિવસ મોજ માણશે. યુવાનો પતંગના પેચ લગાવી કાઈપો છે…ની બુમો પાડશે.

DSC 0232

ઘણા શોખીનો અગાસી ઉપર ગીતો વગાડી વાતાવરણને ઉમંગભર્યું બનાવે છે. છોકરીઓ-સ્ત્રીઓ પણ પતંગ ઉડાવવાની મોજ માણે છે અને બપોરે લોકો ઉંધીયાની મોજ માણશે. સૌરાષ્ટ્રભરની દરેક ગૌશાળા-પાંજરાપોળના ગૌસેવકો ચોકે ચોકમાં મંડપ નાખી ફાળો એકઠો કરશે તો જીવદયાપ્રેમીઓ પણ ઉદારદિલે દાન કરી પુણ્યનુ ભાથુ બાંધશે. મકરસંક્રાંતિએ રાશિ પ્રમાણે પણ દાન કરવાનું અનેકગણું મહત્વ છે. ઘણા લોકો પોતાની રાશિ મુજબ આ દિવસે દાન કરતા હોય છે. કાલે પતંગની તેજ દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ તેની સારવાર માટે એનિમલ હેલ્પલાઈન સતત કાર્યરત રહેશે.

DSC 0231

ઈ.સ.૧૯૮૬માં ભારતમાં પતંગ મ્યુઝિયમની સ્થાપના

પતંગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ સૂર્ય થાય. ભગવદ્રો મંડલમાં આ સિવાય પણ પતંગના ઘણા અર્થો દર્શાવવામાં આવ્યા છે. ઉતરાયણમાં પતંગ અને પતંગ (સૂર્ય) બંને પરસ્પર એક સાથે ઉમંગ અને ઉત્સાહથી જોડાયેલા છે. ગુજરાતમાં પતંગને રંગ, રૂપ, કદ અને એના આકાર દ્વારા ઓળખવામાં આવે છે. રંગીન પતંગને પીળી, બગલુ, ભુરી વિગેરે નામથી ઓળખવામાં આવે છે જયારે ભાતીગળ પતંગને આંખદાર, કાગડી, ગિલંદર અને અસ્ત્રીદાર વિગેરે નામોથી ઓળખવામાં આવે છે. પૂછડાવાળા પતંગને પુછડીદાર અને ફૂમતાવાળા પતંગ ફુમતેદાર કહેવાય છે. જયારે પાંચ પતંગના સમુહને પંજો અને વીસના સમુહને કુડી કહેવાય છે. હિન્દીમાં પતંગને કનકવોયા ચંગ કહે છે. જયારે મોટા પતંગને તુક્કલ કહેવામાં આવે છે. તાંજોરમાં પાવોલ, બિહારમાં તિલંગી, મારવાડમાં મકડ કહેવામાં આવે છે. કન્નડમાં પતંગને ગાલિપટ્ટુ અને માંજાને નાગુલ કહે છે. વિદેશોમાં પણ પતંગો એટલા જ પ્રખ્યાત છે. જાપાનમાં પતંગને સાજો કહે છે અને એને પ્રગતિનું પ્રતિક ગણવામાં આવે છે ત્યાં માછલી, ડ્રેગનની સાથો સાથ છ ખૂણાવાળા પતંગની વિશેષ મહિમા અને મહતા છે. જાપાનમાં તો ઈ.સ.૧૯૩૬માં ૨૫૦૦ કિલો કાગળનો એક અદભુત પતંગ બનાવવામાં આવ્યો હતો જે ૩૯ ફુટ ઉંચો, ૨૧ ફુટ પહોળો અને ૩૧૦૦ મીટર લાંબો હતો અને તેનું વજન હતું માત્ર સાડા નવ ટન. જાપાનમાં જ વિશ્ર્વની સૌથી વિશાળ પતંગ બનાવતી કંપની ધ ક્રાઈટસ આવેલી છે. ભારતમાં પતંગનું મ્યુઝિયમ ઈ.સ.૧૯૮૬માં ભાનુભાઈ શાહ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું હતું. અમેરિકામાં  તો વિશ્ર્વના પતંગ ચાહકોની અમેરિકા કાઈટ ફલાયર્સ એસોસિએશન નામની સંસ્થા છે જેના ૫૦૦ જેટલા સભ્યો છે. આમ જોવા જઈએ તો પતંગનો ઈતિહાસ પ્રાચીન જણાય છે. કહેવાય છે કે, ઈસ્વીસન પહેલા ચીનાઓએ પતંગની શોધ કરેલી પણ ભગવાન શ્રીરામના સમયમાં પણ પતંગની મહતા હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.