સત્તાની સેમીફાઈનલ સમાન ગણાતી ત્રણ હિન્દી રાજયોની વિધાનસભા ચૂંટણક્ષઓમાં ભાજપને પછડાટ મળી હતી. જેથી, આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે એસીડ ટેસ્ટ સમાન સાબિત થનારી છે.જેથી, રામમંદિર જેવા કટ્ટર હિન્દુવાદી મુદાઓને સ્પર્શીને સાથી પક્ષોની નારાજગી વહોરી લેવા બદલે મોદીએ વિકાસના મુદે ચૂંટણી લડવાનો ધ્યેય નકકી કર્યો છે. લોકસભાની સૌથી વધારે બેઠકો જયાં આવેલી છે તે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના મતો નિર્ણાયક હોય કટ્ટરવાદી છાપના કારણે આ મતો ગુમાવવા પડે તેવી સ્થિતિ હોય મોદી આગામી ચૂંટણીમાં વિકાસના મુદા પર લડશે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ અંગેનો નિર્દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસ ગઈકાલે એક ખાનગી ચેનલમાં આપેલા લાંબા ઈન્ટરવ્યૂમાં આપ્યો હતો તેમને રામમંદિરના મુદે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતુ કે અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદે તેમની સરકાર વટહુકમ લાવવા માટે કોઈ ઉતાવળ કરવા માંગતી નથી અને આ મૂદે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ જરૂર પડયે ખરડો લાવશે તેમ સ્પષ્ટ કર્યું હતુ એક તરફ આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના જેવા હિન્દુવાદી સંગઠ્ઠનો રામમંદિર મુદે મોદી સરકાર ચૂંટણી પહેલા ખરડો લાવે તેવી માંગ કરી રહ્યું છે. ત્યારે મોદીએ આ નિવેદન દ્વારા આ માંગ પર ઠંડુ પાણી રેડી દીધું છે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુના ઉભાર વચ્ચે યુવાનો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે અનેક યોજનાઓની જાહેરાત કરીને તેમના મતો મેળવ્યા હતા. જેથી, સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપે લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જેથી આ તમામ વર્ગના નાગરીકોના કલ્યાણ માટે નોટબંધીથી માંડીને જીએસટી, પ્રધાનમંત્રી જનધન યોજના, અટલ પેન્શન યોજના, મેઈક ઈન ઈન્ડીયા વગેરે જેવી અનેક યોજનાઓ બનાવીને મોદીએ વિકાસ પૂરૂષની છાપ ઉભી કરી હતી તેઓ પોતાની સરકારના સાડા ચાર વર્ષ સુધી રામમંદિર જેવા કટ્ટર હિન્દુવાદી મુદાને સ્પર્શયા વગર વિકાસના મુદે જ સતત કાર્ય કરતા રહ્યા હતા જેથી તેમને પછાડવા ભાજપમાં રહેલા આંતરિક વિરોધીઓએ અને સાથી હિન્દુવાદી સંગઠ્ઠનોએ રામમંદિરનો મુદો ફરીથી ઉઠાવ્યો છે.

અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ખાસ ખરડો લાવવા સહિતની ઉઠેલી માંગથી ચિંતિત ભાજપી હાઈકમાન્ડનું માનવું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં રામમંદિરના મુદો જોઈએ તેટલો અસરકારક ન રહ્યો હોય આ મુદા પર મતો મળવાની સંભાવના ખૂબજ ઓછી છે. હિન્દુવાદી સાથી પક્ષો શિવસેના આ મુદેઆક્રમક વલણ અપનાવ્યું છે.ત્યારે વડાપ્રધાન મોદી આ મુદાથી અંહતર રાખવાનું ઉચિત માની રહ્યા છે.જેથી તેમને રામમંદિર મુદે ન્યાયતંત્ર પર વિશ્ર્વાસ હોવાનું તથા આમુદાને લટકાવી રાખવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ, રામમંદિરના મુદે ખરડો લાવવાની વાતને સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ જ વિચારણા કરવાનું જણાવીને સ્પષ્ટ કરી દીધું હતુ કે આગામી ચૂંટણી તેઓ વિકાસના મુદા પર જ લડવા માંગે છે.

આ ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉરી હુમલા અને સર્જીકલ સ્ટ્રાઈક પર વિસ્તારપૂર્વક જવાબ આપતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ આગામી ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદો પણ જાત માંગશે તેમને કોંગ્રેસના ૭૦ વર્ષના શાસન સાથે પોતાના પાંચ વર્ષના શાસનમાં થયેલા વિકાસકાર્યોની સરખામણી કરાવીને ગાંધી કુટુંબે દેશનું અહિત કર્યું હોવાનું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ કોંગ્રેસ મુકત દેશ પાછળ એવો તર્ક રજૂ કર્યો હતો.કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર તેઓ ભ્રષ્ટાચાર મુકત દેશ બનાવવા માંગે છે. તેમને કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ યોગ્ય કામગીરી બજાવવામાં નિષ્ફળ ગયાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ તમામ મોરચે ચાલે તેમ નથી તેવો સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.