ભારતીય જનતા પાર્ટી મોદી કેન્દ્રિત પાર્ટી બની ગઈ હોવાના આક્ષેપોને ફગાવીને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આપી પ્રતિક્રિયા
ભારતીય જનતા પાર્ટી મોદી કેન્દ્રિત પાર્ટી બની ગઈ હોવાના આક્ષેપોને ફગાવતા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ વિચારધારા પર આધારિત પક્ષ છે તે ક્યારેય કોઈ વ્યક્તિ કેન્દ્રિત હોઈ શકે નહીં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ વખતે કોઈને સ્પષ્ટ બહુમત નહીં મળે તેવી શક્યતાને નકારતા ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ આ વખતે ૨૦૧૪ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો મેળવશે.
એક ઈન્ટર્વ્યુમાં ગડકરીએ કહ્યું હતું કે, ભાજપ ભૂતકાળમાં પણ ક્યારેય કેન્દ્રિત પક્ષ નહોતો બન્યો અને તે અમિત શાહ કે મોદીનો પક્ષ પણ નહીં બને. ભાજપ વિચારધારા પર આધારિત પક્ષ હોવાની વાત પર ખાસ ભાર આપતા ગડકરીએ કહ્યું હતું કે, પક્ષ મોદી કેન્દ્રિત બની ગયો છે તેમ કહેવું ખોટું ગણાશે. જોકે, ભાજપ અને મોદી એકબીજાના પૂરક હોવાનું તેમણે જણાવ્યું હતું.
શું મોદી ભાજપ અને ભાજપ મોદી બની ગયા છે તેવા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ભાજપ ક્યારેય વ્યક્તિ કેન્દ્રિત પક્ષ બની જ ન શકે. તેમણે કહ્યું હતું કે, ભાજપમાં એક પરિવારનું શાસન પણ નથી ચાલતું. ભાજપમાં તમામ નિર્ણયો સંસદીય સમિતિ કરતી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, પક્ષ મોદી કેન્દ્રિત બની ગયો છે તેમ કહેવું ખોટું ગણાશે.
પક્ષ મજબૂત હોય પરંતુ નેતા નબળો હોય તો ચૂંટણી નથી જીતી શકાતી, તેવી જ રીતે નેતા મજબૂત હોય પણ પક્ષ નબળો હોય તો પણ ચૂંટણી નથી જીતી શકાતી. જોકે, લોકપ્રિય નેતા સ્વાભાવિક રીતે પક્ષમાં સૌથી આગળ રહે છે તેમ પણ ગડકરીએ કહ્યું હતું. ભાજપ પાંચ વર્ષના પોતાની સિદ્ધિઓને બદલે રાષ્ટ્રવાદ પર ચૂંટણી લડી રહ્યો હોવાની વાતને નકારતા તેમણે કહ્યું હતું કે, લોકો ભાજપને જ ફરી સત્તા પર લાવશે અને તેના વિકાસના એજન્ડાને સપોર્ટ કરવા પૂર્ણ બહુમતી પણ આપશે.
ભાજપના વિકાસના એજન્ડાને આડા પાટે ચઢાવવા વિપક્ષ જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકતા ગડકરીએ કહ્યું હતું કે, હુ સુનિશ્ચિત છું કે દેશની જનતા અમારી સાથે રહેશે અને અમે પૂર્ણ બહુમતીથી ફરી સરકાર બનાવીશું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદ ભાજપ માટે કોઈ મુદ્દો નહીં પણ તેનો આત્મા છે.