શ્રીલંકામાં પહેલા બેટિંગ કરીને ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાન પર ૨૬૨ રન બનાવ્યાં હતા. જવાબમાં ૨૬૩ રનનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમે ૩૬.૪ ઓવરમાં ૩ વિકેટના નુકશાન પર ૨૬૩ રન બનાવી લીધા હતા.
પૃથ્વી શૉએ ઈન્ડિયન ટીમની ઈનિંગને આક્રમક શરૂઆત આપી. એણે ૨૪ બોલમાં ૪૩ રન કરીને ધવન સાથે ૫૮ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. શ્રીલંકન બોલરે ઓફ બ્રેક સ્લૉ બોલ પર પૃથ્વીને કેચ આઉટ કરાવ્યો હતો.
પૃથ્વી શૉ આ બોલને લોન્ગ ઓનના ફિલ્ડર ઉપરથી લોફ્ટ કરવા ઇચ્છતો હતો, પરંતુ બોલનો બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતા તે અવિષ્કાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
ઈન્ડિયન ટીમની બીજી વિકેટ ૧૪૩ રન પર પડી.ઈશાન કિશન આઉટ સાઇડ ઓફ સ્ટમ્પના બોલને ડિફેન્સ કરવા જતા આઉટ થયો હતો. એણે બર્થડે પર ૪૨ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા. જેમા ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા માર્યા.
ઈન્ડિયન ટીમની ત્રીજી વિકેટ ૨૧૫ રન પર પડી. મનીષ પાંડે ઓફ એન્ડ મિડલ સ્ટમ્પની લેન્થના બોલને ડીપ મિડવિકેટ પર મારવા ગયો હતો. સ્ટેપ આઉટ કર્યું હોવાથી એના બેટના લોઅર એન્ડ પર બોલ વાગતા મિડવિકેટ પર શનાકાએ સરળ કેચ પકડી લીધો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે સીરિઝની પહેલી મેચ કોલમ્બોમાં રમાઈ રહી છે. આજે શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ૫૦ ઓવરમાં ૯ વીકેટના નુકસાન પર ૨૬૨ રન બનાવ્યા. ભારતીય ટીમને મેચ જીતવા માટે ૨૬૩ રનનો લક્ષ્ય આપ્યો. શ્રીલંકા તરફથી ચામિકાએ ૪૩ રન થોકયા જ્યારે કેપ્ટન શનાકાએ ૩૯ રન બનાવ્યા હતા. ભારતના દિપક ચાહર અને કુલદીપ યાદવે બે બે વિકેટ ખેરવી હતી.
૨૦૧૯ વર્લ્ડ કપ બાદ એક સાથે મેદાનમાં ઉતરેલી યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ મેદાન પર ધમાલ મચાવી હતી. શ્રીલંકા સામે પહેલા વન ડે આ જોડી લગભગ બે વર્ષ બાદ મેદાન પર ઉતરી હતી. ચહલે પોતાની પહેલી જ ઓવરમાં પહેલી જ બોલમાં વીકેટ લીધી હતી જ્યારે કુલદીપ યાદવે એક જ ઓવરમાં બે ખેલાડીઓને પવેલીયન ભેગા કરી દીધા હતા.
ભારતના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી બતાવી, ખાસ કરીને કૃણાલ પંડયા ખૂબ જ કામના રહ્યા કારણ કે તેણે ૨૬ જ રન આપ્યા અને ૧ વીકેટ લીધી. દિપક ચાહરે પણ બે વિકેટ ખેરવી હતી. જોકે આ મેચમાં છેલ્લી ઓવરોમાં ભુવનેશ્વર કુમારને શ્રીલંકાના બેટ્સમેનોએ ધોઈ નાંખ્યો હતો.
શિખર ધવને શ્રીલંકા સામે વન-ડેમાં કેપ્ટનના રૂપમાં ઉતરતા જ ઇતિહાસ રચી દીધો. ભારતીય ટીમના તે ૨૫ માં કેપ્ટન છે. શિખર ધવન ભારતનાં સૌથી મોટી ઉંમરના કેપ્ટન બન્યા છે. તેમણે મોહિન્દર અમરનાથ અને હેમુ અધિકારીને પણ પાછળ મૂકી દીધા છે. ધવન ૩૫ વર્ષની ઉંમરમાં કેપ્ટન બન્યા છે. બીજી બાજુ હેમુ અધિકારી ૩૫ વર્ષની ઉંમરે કેપ્ટન શીપ સંભાળી હતી. શિખર ધવને ૧૧ વર્ષ પહેલા ભારતમાં વન ડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ૨૦૧૦માં ઓસ્ટ્રેલીયા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂક્યો હતો. ત્યારે તેમની ઉમંર માત્ર ૨૪ વર્ષની હતી. આ રીતે લાંબા સમય પછી કેપ્ટન બની તેમણે ઇતિહાસ રચ્યો છે.
શ્રીલંકા અને ભારત વચ્ચે ચાલી રહેલ પહેલી વન ડે મેચ દરમિયાન એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યું, જેની ચર્ચા સમગ્ર ક્રિકેટ જગતમાં થઈ રહી છે. ચાહક વર્ગ જોરદાર રીતે આ વાતને વખાણી રહ્યા છે. આ ઘટનામાં થયું છે એવું કે કૃણાલ પંડયાએ પોતાની બોલિંગ દરમિયાન જ ચરિતને ગળે લગાવી લીધો. મુખ્ય રીતે ત્યારે ૨૨ મી ઓવર ચાલી રહી હતી. આ ઓવરના બીજા બોલમાં બેટિંગ કરનાર ધનંજયએ સીધો શૉટ માર્યો.
આ શૉટને પકડવા માટેના પ્રયાસ દરમિયાન નોન સ્ટ્રાઈક પર ઉભેલા બેટ્સમેન ચરિત સાથે અથડાઇ ગયા. જેથી ઊભા થઈ તરત જ મોટું મન રાખી ચરિતને ગળે લગાવી લીધો. ચાહકો કૃણાલના આ વર્તનથી ઘણા ખુશ થઈ ગયા. હવે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વિડીયો શેર કરીને કહે છે કે આ રાહુલ દ્રવિડની સંગતનો કમાલ છે. લોકોનું માનવું છે કે આ બદલાવ રાહુલ દ્રવિડને કારણે આવ્યો છે.
બર્થડે બોય ઈશાનનું વન-ડે ડેબ્યુમાં ધમાકેદાર પ્રદર્શન
ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો આજે બર્થ ડે છે. આની પહેલા ઈશાને માર્ચમાં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ માં ડેબ્યૂ કર્યું હતું. તે બર્થડે પર ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આની પહેલા ૧૯૯૦માં ગુરશન સિંહે ઓસ્ટ્રેલિયા સામે બર્થડે પર ડેબ્યૂ કર્યું હતું. આમ આપણે ઓવરઓલ જોવા જઈએ તો ઈશાન કિશન આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ૧૬મો ખેલાડી છે. બર્થડે ડેબ્યુમાં ઈશાન કિશને ૫૯ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ખરા અર્થમાં ભારતને પ્રથમ વન-ડે મેચ જીતાવવામાં ઈશાન અને પૃથ્વીની ઇનિંગએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. બંને પ્રતિભાઓએ સાબિત કરી બતાવ્યું કે, ભારત પાસે પ્રતિભાઓની કમી નથી. બંને ખેલાડીઓએ સાથે મળીને ફક્ત ૧૫ ઓવરમાં જ મેચ વન સાઈડ કરી દીધો હતો.