વીડિયોકોન ગ્રુપના રૂ.૩૨૫૦ કરોડના લોન ગોટાળામાં આઈસીઆઈસીઆઈની સીઈઓ ચંદા કોચરને કલીન ચીટ
આઇસીઆઇસીઆઇ બેંકના સીઇઓ ચંદા કોચરે પતિ દિપક કોચરની કંપનીને લોન આપી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
લોન આપીને કૌભાંડ આચરવાની જાણે બેંકોની સિસ્ટમ બની ગઈ હોય તેમ એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. બેંકોનો એનપીએ રેશિયો વધી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોનના રૂ.૩૨૫૦ કરોડના ગોટાળામાં પોતાના સીઈઓ ચંદા કોચરને કલીન ચીટ કર્યા છે.
જણાવી દઈએ કે, એપ્રિલ વર્ષ ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈએ વીડિયોકોન ગ્રુપની પાંચ કંપનીઓને રૂ.૩૨૫૦ કરોડની લોન આપી હતી. વીડિયોકોન ગ્રુપે હજુ સુધી માત્ર ૨૦% રકમ જ ચુકવી છે બાકીની ૮૦ ટકા એટલે કે ૨૮૧૦ કરોડ રૂપિયા ચુકવ્યા નથી. આ લોનને વર્ષ ૨૦૧૭માં એનપીએ (નોન પરફોર્મિંગ અસેટ) તરીકે જાહેર કરાઈ હતી. આ લોનની ચુકવણી ન થઈ હોવાની સામે બેંકના સીઈઓ ચંદા કોચર પર પ્રશ્ર્નો ઉભા થયા છે અને તેની સામે આંગળી ચિંધાઈ છે. એમ પણ કહેવાય રહ્યું છે કે, વિડીયોકોનની પાંચ કંપનીઓને લોન આપવાના બદલામાં ચંદા કોચરના પતિને લાભ કરાવવામાં આવ્યો છે પરંતુ આ સામે આઈસીઆઈસીઆઈ બેંકે ચંદા કોચરનો પક્ષ ખેંચ્યો છે અને ચંદા કોચર પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે.
આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ મેનેજીંગ ડીરેકટર અને ચીફ એકઝીકયુટીવ ઓફિસર સીઈઓ ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. વીડિયોકોન ગ્રુપને અપાયેલ લોન મામલે પ્રકાશિત સમાચારોને દુર્ભાવનાપૂર્ણ અને પાયાવિહોણા ગણાવ્યા છે અને ચંદા કોચરને કલીન ચીટ કર્યા છે.
વિડીયોકોન ગ્રુપના માલિક વેણુગોપાલ ધુતે ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે મળી એક ન્યુ પાવર રિન્યુએબલ્સ પ્રા.લી. બનાવી તેમાં કોચરના પરિવાર અને વેણુગોપાલ ધુતની ૫૦-૫૦ ટકા હિસ્સો હતો. દીપક કોચરે આ કંપનીના મેનેજીંગ ડાયરેકટર હતા પણ તેમને આ પદ છોડી દીધું. દીપક કોચરે અઢી લાખ રૂપિયામાં તેનો હિસ્સો ૨૪,૯૯૯ શેર ન્યુ પાવરમાં ટ્રાન્સફર કરી દીધા. આથી વેણુગોપાલ ધુતે કંપનીઓના હિસ્સાની માલિકી બદલી કોચરને ફાયદો કરાવ્યો હોવાનું માલુમ પડયું છે.