જમીન શિક્ષણ વિભાગની, બાંધકામ ગેરકાયદે કે કેમ ? તે મહાપાલિકાનો વિષય, કલેકટર તંત્રની કોઈ સીધી ભૂમિકા ન આવતી હોય જેથી કોઈ નિર્ણય ન લ્યે તેવી શકયતા
બાલાજી મંદિરના બાંધકામનો વિવાદ સ્થાનિક કક્ષાએથી ઉકેલ આવે તેવી શકયતા નહિવત છે. કારણકે જમીન શિક્ષણ વિભાગની, બાંધકામ ગેરકાયદે કે કેમ ? તે મહાપાલિકાનો વિષય, હોય કલેકટર તંત્રની સીધી કોઈ ભૂમિકા આવતી ન હોય જેથી તેઓ કોઈ નિર્ણય ન લ્યે તેવી શકયતા સેવાઈ રહી છે. શહેરીજનોની આસ્થાના પ્રતિક એવા બાલાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા શહેરની ઐતિહાસિક એવી કરણસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બાંધકામની ઉઠેલી ફરીયાદ બાદ આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું હતું. જેને પગલે હાઇકોર્ટે જિલ્લા કલેકટરને 4 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો. ત્યારબાદ તપાસ કમિટીએ તપાસ કરી જિલ્લા કલેકટરને રિપોર્ટ સોંપ્યો હતો.
બાદમાં કલેકટરે સ્થળ વિઝીટ કરી હતી. ઉપરાંત બન્ને પક્ષોને નોટિસ આપી આવતીકાલે હિયરિંગ માટે બોલાવ્યા છે. બીજી તરફ સૂત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે જ્યાં બાંધકામ થયું છે તે સ્થળ શિક્ષણ વિભાગનું છે. બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે નિર્ણય મહાપાલિકાએ લેવાનો થતો હોય, કલેકટર તંત્રની સીધી રીતે આ પ્રકરણમાં કોઈ ભૂમિકા રહેતી ન હોય, સ્થાનિક કક્ષાએથી આ મામલે કોઇ નિર્ણય ન લેવાય તેવુ જાણવા મળી રહ્યું છે.