પ્રમુખ તરીકે સી.આર.પાટીલને લોકસભાની ચૂંટણી સુધી ચાલુ જ રખાશે: અમૂક જિલ્લા અને મહાનગરોના પ્રમુખ ફરશે
લોકસભાની ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સતત ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠકો તોતીંગ લીડ સાથે જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે દરેક જિલ્લામાં પ્રવાસ શરૂ કરી દીધા છે. આવામાં લોકસભાની આગામી ચૂંટણી સુધી ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિવત દેખાય રહી છે. લોકસભાની ચૂંટણી ગુજરાતમાં સી.આર.ના નેતૃત્વમાં જ લડશે તે નિશ્ર્ચિત બની ગયુ છે. દરમિયાન અમુક જિલ્લા અને મહાનગરોના પ્રમુખો ફેરવવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે જિલ્લામાં પરિણામ કે લીડ સંતોષકારક નથી આવ્યું ત્યાં પ્રમુખ સહિતના સંગઠન માળખાને ફેરવી નાખવામાં આવ્યું છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી બાદ એવી અટકળો વહેતી થઇ હતી કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પ્રમોશન આપવામાં આવશે. તેઓને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવશે. તેઓના સ્થાને ગુજરાતમાં નવા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવશે. રાજ્યનાં માત્ર છ મહિનામાં જ સરકારમાં પણ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી. હાલ તમામ શક્યતા અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે. સંગઠન કે સરકારમાં લોકસભાની ચૂંટણી સુધી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા હાલ દેખાતી નથી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુદ્ત પૂર્ણ થઇ ગઇ છે. તેઓને લોકસભાની આગામી ચૂંટણી સુધી ચાલુ રાખવાનો નિર્ણય પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં લેવામાં આવી ચુક્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની મુદ્ત પણ પૂર્ણ થઇ જવા પામી છે.
પરંતુ તેઓને પણ લોકસભાની ચૂંટણી સુધી યથાવત રાખવામાં આવે તેવું હાલના વાતાવરણ પરથી લાગી રહ્યું છે.
સી.આર.પાટીલ છેલ્લા ઘણા દિવસથી ફરી સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે પુરજોશમાં સક્રિય થઇ ગયા છે. ગાંધીનગર ખાતે રાજ્યના અલગ-અલગ જિલ્લા અને મહાનગરોની કારોબારી બેઠક બોલાવવામાં આવી રહ્યા છે. તેઓ અલગ-અલગ જિલ્લાના પણ પ્રવાસો કરી રહ્યા છે.
તાજેતરમાં તેઓએ રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોના સંગઠન પ્રભારીની નિમણૂંક પણ કરી છે. જો તેઓના સ્થાને નવા પ્રમુખની નિમણૂંક કરવાની હોત તો તેઓ જિલ્લા અને મહાનગરના સંગઠન પ્રભારીના જાહેર કર્યા ન હોત. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકો જીતવાના બૂલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરવાનું છે. આ લક્ષ્યાંકને પાર પાડવા માટે પીએમના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતવી ફરજિયાત છે. હાલનું વાતાવરણ અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જોતા ભાજપ માટે લોકસભાની 26 બેઠકો જીતવી અઘરી નથી.
પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ ગુજરાત સહિતના એકપણ રાજ્યમાં કોઇ જોખમ ઉઠાવવા તૈયાર નથી. લોકસભાની ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે જો અત્યારે ગુજરાતમાં સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવે તો નવા પ્રમુખને લોકસભાની ચૂંટણીની તૈયારી માટે પૂરતો સમય ન મળે જેના કારણે એકાદ-બે બેઠકનું પરિણામ પણ જો આઘા-પાછુ આવે તો ભાજપને પાલવે તેમ નથી. ભાજપના નેતાઓમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે હાઇકમાન્ડ દ્વારા સી.આર.પાટીલને એવો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે કે લોકસભાની આગામી ચૂંટણી સુધી ગુજરાતમાં તમારે જ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવવાની છે. કોઇ ફેરફાર કરવાની વિચારણા નથી. ફરી કામે લાગી જવા તાકીદ પણ કરવામાં આવી છે.
બીજી તરફ સી.આર.પાટીલે પણ જોર-શોરથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખ સહિતના સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવનાર નથી. તે તમામને લોકસભાની ચૂંટણી સુધી તમે જ સંગઠનના સરતાજ છો તેવી સુચના આપી દેવામાં આવી છે.
છેલ્લા એકાદ પખવાડીયાથી જે રિતે સી.આર.પાટીલે સંગઠન માળખાને મજબૂત બનાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે તે જોતા એવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે ભાજપ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં સી.આર.ના નેતૃત્વમાં જ લડશે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો યોજાશે. આજે રાજકોટ સહિત આઠેય મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્ેદારોને પાટીલે સુરત બોલાવ્યા છે. તમામને લોકસભાની ચૂંટણીનું હોમવર્ક આપવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે. દરમિયાન રાજ્ય સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ પણ લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા કરવામાં આવશે.
સાતમ-આઠમ અથવા દિવાળી આસપાસ મંત્રી મંડળનું વિસ્તરણ કરાય તેવી સંભાવના જણાય રહી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠન માળખામાં નાના-મોટા ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.