- કેમિકલકાંડને લઠ્ઠાકાંડમાં ખપાવામાં કોને રસ?
- પોલીસ કરતા ડ્રગ્સ એન્ડ ફુડ અને નશાબંધી અને આબકારી વિભાગની વધુ જવાબદારી
- લાયસન્સ કોને ઇસ્યુ કર્યા, કેમિકલના વપરાશ અને ઉપયોગના નિયમનનું પાલન કોને કરાવવાનું હોય?
- ધંધૂકા અને બોટાદ પંથકના 55 મૃતકોને દારૂના નામે કોને કેમિકલ પીવડાવ્યું?
- મિથેનોલ કેમિકલનો યોગ્ય ઉપયોગના બદલે કોણ દુર ઉપયોગ કરી ‘મલાઇ’ તારવી
દારૂ સમજી કેમિકલને નશો કરવાનું જોખમ હોવા છતાં ઝેરી કેમિકલના કારણે અવાર નવાર દુર્ઘટના સર્જાય છે. આવું ઝેર પીવાના કારણે રાજકોટ, અમદાવાદ અને કચ્છમાં અનેકે જીવ ગુમાવ્યા છે. આવો જ વધુ એક કાંડ ધૂંધકા અને બોટાદ પંથકમાં બનતા તંત્ર હરકતમાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેમિકલકાંડને લઠ્ઠાકાંડમાં ખપાવી અને સમગ્ર કાંડના જવાબદાર પોલીસને ગણી તેના માથે ઠીકરૂ ફોડવામાં આવે છે. શુ હલકુ લોહી હવાલદારનું જ છે? મિથેનોલ કેમિકલના વપરાશ અને ઉપયોગ અંગે કોણ લાયન્સન આપે છે? અને તેના સ્ટોક મેઇન્ટેન કોન કરી રહ્યું તે અંગે નશાબંધી અને આબકારી વિભાગ અને ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગને કેમ જવાબદાર ગણવામાં આવતા નથી તેવો સવાલ થઇ રહ્યો છે.
અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલી એમોજ કોર્પોરેશન નામની કેમિકલ ફેકટરીમાંથી ચોરાયેલા 600 લિટર મિથેનોલ કેમિકલને ધંધૂકા અને બરવાળા પંથકમાં દારૂ તરીકે વેચાણ કરવાથી 55 વ્યક્તિઓએ જીવ ગુમાવતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
સરકાર દ્વારા કેમિકલકાંડની ઉંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. કેમિકલકાંડને લઠ્ઠાકાંડમાં ખપાવી અને પોલીસને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. મિથેલીન કેમિકલનો ખરેખર શું ઉપયોગ થાય છે. તેના વપરાશ અને વેચાણ માટે કંઇ રીતે અને કોણ લાયન્સ આપે છે. તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
2009 અમદાવાદમાં આવો જ કેમિકલકાંડ સર્જાયો હતો ત્યારે સરકાર દ્વારા જસ્ટીશ કમલ મહેતા પંચની રચના કરવામાં આવી હતી ત્યારે તપાસ પંચ દ્વારા મિથેલીન આલ્કોહલના પરિવહન અને ચોરી અટકાવવા અંગે કોઇ નિતી નિયમ ન હોવાનો ચોકાવનારો રિપોર્ટ સોપવામાં આવ્યો હતો તેમ છતાં તંત્ર દ્વારા આ તપાસ પંચના રિપોર્ટની ગંભીરતા દાખવી નથી જેના કારણે જ ધંધૂકા અને બરવાળામાં મોતનું તાંડવ રચાયુ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
મિથેનોલ કેમિકલનો ઉપયોગ ખરેખર કલર, નેઇલ પોલિસ અને સનમાઇકા જેવી ચિજ વસ્તુ બનાવવામાં થાય છે. મિથેનોલ કેમિકલના લાયસન્સ આપવાની પ્રક્રિયા ગૃહ વિભાગના અંડરમાં આવતા નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એમ-વન અને એમ-ટુ એ રીતે લાયસન્સ આપવામાં આવે છે.
લાયસન્સ ધારક મિથેનોલ કેમિકલના ઉપયોગ અને વેચાણ અંગેના લાયસન્સ મેળવ્યા બાદ ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ દ્વારા મિથેનોલ કેમિકલનો કેટલો સ્ટોક રાખવો અને તેના દુર ઉપયોગ થાય છે કે કેમ તે અંગેની અવાર નવાર ચેકીંગની કામગીરી કરવાની હોય છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંદી અને આબકારી વિબાગ તેમજ ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ કંયાક નિષ્ક્રીય રહેવાના કારણે આ દુર્ધટના સર્જાય છે આ દિશામાં તપાસ કરવામાં આવે તો જવાબદારનો નકાબ બહાર આવે તેમ છે.
કેમિકલકાંડની તપાસ માટે સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીને નિયુક્તિ આપવામાં આવી છે. આ એસઆઇટીમાં નશાબંધી અને આબકારીના નિયામક એમ.જે.ગાંધી અને એફએસએલના ડાયરેકટર એસ.પી.સંઘવીની નિમણુંક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ટૂંક સમયમાં જ દુધનું દુધ અને પાણીનું પાણીની જેમ કેમિકલકાંડ છે કે લઠ્ઠાકાંડ છે તેનો પર્દાફાસ કરશે તેમ જાણકારો કહી રહ્યા છે.
- રેન્જની રેન્જ બહાર કોણ કળા કરી ગયું?
- છારા ગેંગને ‘ઝેર’ કરનાર રેન્જ આઇજીના હાથ કેમ બંધાઇ ગયા???
ધંધૂકા અને બરવાળા કેમિકલકાંડની ઇન્સાઇડ જોઇએ તો કેટલીક કેટલાક અધિકારીઓની અંદરો અંદરની લડાઇ કારણભૂત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાવનગર રેન્જના આઇજી અશોકકુમાર યાદવ એક સમયે અમદાવાદની છારા ગેંગને નાથવા શામ, દામ અને દંડની પ્રક્રિયા કરી છેરા ગેંગને ‘ઝેર’ કરી હતી. આટલા બાહોશ આઇપીએસ અધિકારીની રેન્જની બહાર રહી રેન્જમાં કોણે કળા કરી તે અંગેની પોલીસબેડામાં થતી ચર્ચાએ ચકચાર જગાડી છે.
અમદાવાદની કુખ્યાત છારા ગેંગ સામે 2018માં કડક કાર્યવાહી આઇપીએસ અધિકારી અશોક યાદવ અને તત્કાલિન ડીસીપી શ્ર્વેતા શ્રીમાળી તેમજ સરદારનગરના પીઆઇ રાધે વિરાણી સામે કોર્ટમાં કસ્ટડી ટોર્ચરીંગ કર્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી. આમ છતાં આ અધિકાર દ્વારા હીચકીચાટ કે શેહ શરમમાં આવ્યા વિના કાર્યવાહી કરનારના રેન્જ આઇજી અશોક યાદવના કેમિકલકાંડ અંગે કેમ હાથ બંધાયેલા છે તેવો સવાલ થઇ રહ્યો છે.
- કાંડ થશે, ભુલાઇ જશે અને ફરી કાંડ થશે!!
રાજકોટમાં કોલન વોટરના કારણે થયેલા ઘોડાકાંડમાં 29 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો ત્યાર બાદ કચ્છમાં આફટર સેવલોનશનો નશો કરવાથી 50થી વધુના મોત થયા હતા અને અમદાવાદના થયેલા કેમિકલકાંડના કારણે 100થી વધુના મોત નીપજ્યા હતા.
આ રીતે જ ધંધૂકા અને બરવાળામાં પણ દારૂ સમજી કેમિકલનો નશો કરતા 55 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આવા કાંડ અગાઉ બન્યા છે. ભુલાઇ જાય છે અને અમુક સમય બાદ ફરી આવું જ મોતનું તાંડવ સર્જતા કાંડ સર્જાય છે. આ માટે કોઇ નક્કર કાર્યવાહી જરૂરી બની છે.