કોઈ જરૂરિયાતમંદને નોકરીમાં રખાવવા એના જેવું કોઈ પૂણ્ય નથી અને કોઈની નોકરી તોડાવવી એના જેવું કોઈ પાપ નથી! આ આપણી વેદિક સંસ્કૃતિમાં વણાયેલા સનાતન સત્યો છે!
એક પરદેશી ગુજરાતી વિદેશમાંથી આપણા રાજકોટ-ગુજરાતમાં આવ્યા હતા. તેમણે સ્વજનને મળતાવેંત કહી દીધું કે, રાજકોટમાં અમારૂ ચાર દિવસનું રોકાણ છે. રાત થોડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે. શોપિંગ લીસ્ટ વિષે પૂછતા તેમણે ઘડીના છઠ્ઠા ભાગમાં કહી નાખ્યું કે, શોપિંગ-બોપિંગ (એટલે કે વ્યકિતગત શોખની કે વ્યકિતગત જરૂરતની કશી જ ખરીદી નથી કરવાની, પણ વૃધ્ધાશ્રમમાં જવું છે. બાલાશ્રમમાં અનાથ આશ્રમમાં, આસપાસનાં ગામડામાં આર્થિક રીતે તદ્ન નબળા લોકોને સહાયભૂત થતી સંસ્થામાં, સ્મશાને અને ગરીબો-દરિદ્રજનોને શોધી શોધીને સહાયભૂત થતા, ખવડાવતા પીવડાવતા રંકજનોની માનવસેવા કર્યા કરતા પરિવારને મળીને તેમના લીસ્ટમાં હોય તેવા કુટુંબો કે સંસ્થાઓને અતિ જરૂરી વિવિધ પ્રકારની સહાય આપવાની જ અમારી ભાવના છે…
આ બધી જ જગ્યાએ ધાબળા સહિતની અન્ય માનવસેવાની કામગીરીમાં તેમણે હોંશે હોંશે અને કારૂણ્યભાવે તેમના સમયનો સદુપયોગ કર્યો… કોઈ કોઈ ઠેકાણે તો ગદ્ગદ્ કંઠે અને ઝળઝળિયાભીની આંખે તેના ઈષ્ટદેવ-દેવીઓનાં આભાર માનતી લાગણી સાથે આવી ધન્યતા અનુભવી.. જે માતૃભૂમિ પર પોતે જન્મ લીધો, ભરણપોષણ અને ઉછેર પામ્યાં, ભણતર અને શિક્ષણ પામ્યાં, મનુષ્ય જીવનને સાર્થક કરતી હૃદય અને મનની ચેતના પામ્યાએ ભૂમિના ભાંડુઓની સાથે એમના જેવા જ થઈને હળવા મળવાની તક મળી.
મનુષ્યોને તેમની જીવનયાત્રા દરમ્યાન આવો લ્હાવો મળે એ તો માતાજી, ભગવતીની અસીમ કૃપા વગર કયાંથી મળે એવો સંતોષ પણ તેમણે અનુભવ્યો હોવાનું જોઈ શકાયું.
ચાર દિવસની જ રાજકોટ – ગુજરાત-ભારતની એમની આ મુલાકાત સોના-ચાંદીના દાબડામાં અવિસ્મરણીય બની ગઈ અને સોના ચાંદીના દાબડામાં સંઘરીને રાખી મૂકીએ એવી તિર્થભૂમિ પર આવીને ગયા એવી મનમધુરી બની ગઈ…
‘આવજો’ કહેતા કોચવાઈ જવાય અને રોવાઈ જવાય એવો ઘાટ ઘડાઈ ગયો…! કોઈને પોતાના શેષ જીવનની મોઘેરી મૂડી સમા આદર્શ વડિલ મળી ગયા અને કોઈને વહાલસોયી દીકરી તથા દીકરીની દીકરી મળી ગયા!..
આ સુખદ ઘટનાની સમીક્ષા કરતા એવો સારાંશ નિષ્પન્ન થયો કે, આપણા દેશ અને આપણા સમાજે વૃધ્ધાશ્રમ, બાલાશ્રમ, અનાથાશ્રમ, મહિલા અંધાશ્રમ, ગૌશાળાઓ, પાંજરાપોળ, અને રાજકીય ક્ષેત્રના આદાન પ્રદાન વિષે તદ્ન વિશુધ્ધ અને પ્રમાણિક રાષ્ટ્રીય ચચા કરવી જોઈએ અને આપણા ચીલાચાલુ તથા રૂઢિગત સામાજિક ઢાંચા વિષે પુનરાવલોકન કરવું જોઈએ.
હા, જેમણે આવી સંસ્થાઓ અને માનવસેવાના કેન્દ્રો સ્થાપવાની તથા તેને હૈયાંની હૂંફ સાથે અને માયાળુ રીતે ચલાવવાની શરૂ આત કરી છે. અને પાયાના પથ્થરથી માંડીને રૂડી ઈમારત સુધીનું માળખું રચ્યું છે. તે શાબાશીના અધિકારી છે અને પ્રભુની પ્રસન્નતા પામવાના હકકદાર છે. એમની શુભ ભાવનાનો કોઈ દોષ કાઢી શકે એવું નથી. તો પણ સમયના વહેણની સાથે એમાં બદલાવની એને લગતી વિચારધારાનું યુગલક્ષી પુનરાવલોકનની અને એમાં સરવાળા-બાદબાકીની જરૂર હોવાનું લાગ્યા વિના રહેતું નથી.
વૃધ્ધાશ્રમમાંના કોઈ વૃધ્ધને દત્તક લઈને એમને કુટુંબગત સુખ આપવાની પ્રથા ઉભી કરવા વિષે ગંભીર પણે વિચારવું જોઈએ. કોઈપણ વૃધ્ધને તેમા સંતાનો સાથે રહેવાની ઉત્કંઠા હોય જ એ ભૂલવા જેવું નથી આનાં જેવું કોઈ પૂણ્ય નથી, એ નિર્વિવાદ છે ?
બાલાશ્રમ-અનાથઆશ્રમમા પણ અનાથ-નિરાધાર શિશુઓને દત્તક લઈને તેમે માબાપ સરખું વાત્સલ્ય બક્ષવું અને મનુષ્ય જીવનના તમામ સુખો આપવાનું સૌભાગ્ય બક્ષવું, એનાં જેવું કોઈ પૂણ્ય નથી.
કુટુંબ વિહોણાઓમાંના કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમક્રિયાની સેવા આપવી અને અસ્થિવિસર્જન સુધીની કામગીરી કરી આપવી એ પણ મહાપૂણ્યનું કાર્ય છે. આને લગતી કોઈ સામાજીક ગોઠવણ અર્થાત જાહેર કેન્દ્ર બને તે પૂણ્યભીની કામગીરી જ ગણાય!
આજના સમયમાં કોઈને નોકરી કે રોજગારી અપાવવામાં નિમિત્ત થવું, એનાં જેવું કોઈ પૂણ્ય નથી અને કોઈની નોકરી તૂટે એવી ચેષ્ટા કરવા જેવું કોઈ પાપ નથી. કોઈને નોકરી કે રોજગારી મળે એ માટે કેટલાક ધર્માનુરાગી લોકો પોતાના ખર્ચે યજ્ઞ કરાવે છે, કથા કરાવે છે અને હવન હોમ કરાવે છે. વિશ્ર્વશાંતિ માટે તો વિશ્ર્વભરમાં યજ્ઞ જેવી ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં આવે છે.
સંત શિરોમણી પૂજય શ્રી રણછોડદાસજી મહારાજશ્રીએ રાજકોટમાં ૧૯૪૬માં અત્યારે જયાં સદ્ગૂ સદન-આશ્રમ છે ત્યાં શ્રી રામ મહાયજ્ઞ યોજયો હતો. તે એક મહિના સુધી ચાલુ રહ્યો હતો. આખા સૌરાષ્ટ્રમાંથી સેંકડો નરનારીઓ દર્શનાર્થે આવ્યા હતા. કેટલાક લોકો પગપાળા આવ્યા હતા યજ્ઞને અંગે જે ફળ નિષ્પન્ન થયું હતુ તે આ શ્રી રામસમા સંતે રાજકોટને-રાજકોટની પ્રજાને અર્પણ કર્યું હતુ અને એવું વરદાન આપ્યું હતુ કે આનાથી રાજકોટની તથા રાજકોટની પ્રજાની ચઢતી કળા થશે. એ પછી ખોબા જેવડું રાજકોટ અત્યારે મહાનગરોની હરોળમાં ઉભુ રહે એટલો વિકાસ પામતું રહ્યું છે. આમ યજ્ઞો સુખદાતા અને દુ:ખહર્તા બનતા હોવાની વેદિકવાણી સિધ્ધ રહી છે.. આ શહેરની વિચારધારા પણ પવિત્રતા અને દિવ્યતા પામેલ છે.
વૃધ્ધાશ્રમો, બાલાશ્રમો, અનાથાશ્રમો, મહિલા અંધ આશ્રમ, સ્મશાનભૂમિ, પાંજરાપોળ, નારી ઉત્કર્ષ અને આવી બીજી સંસ્થાઓ નવાં યુગલક્ષી કલેવર પામે, નવા નકોર વિચારો પામે, બદલાવ અને પરિવર્તન પામે એ વિષે રાષ્ટ્રીય ચર્ચાની જરૂરત છે. એની સાથે સંસ્કૃતિને નૈતિકતાને સંવેદનાને અને સમાન માનવગૌરવને જોડવા ઘટે છે.
આ બધું ત્યારે જ શકય બને, જયારે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીની કાર્ય પધ્ધતિ નિરંકુશ, આપખુદ, દંભી, પાખંડી અને માટીપગા ચારિત્ર્યની ટીકાઓથી કલુષિત ન હોય. સંસ્થાના હિતો અને આબરૂને ખંડિત કરે એવી ન હોય, નાણાના નિરર્થક ધૂમાડાની અને પોતાની જ વાહવાહ તથા પ્રશંસાની મનોવૃત્તિ ધરાવતી ન હોય. લીલીઝંડીઓ, તેમજ શોભા-સરઘસની ન હોય અને મોબાઈલ-પત્રિકાઓ તથા વર્તમાન પત્રોમાં તથા તસ્વીરોમાં પોતાની નીકટના લોકોને પ્રાધાન્ય આપવાની ન હોય…
આપણા સમાજની અને રાજકીય ક્ષેત્રની એ કમનશીબી છે કે, એને આદર્શ આગેવાનોની, સુકાનીઓની અને આંગળીચીંધ ન જ હોય એવા વહિવટકર્તાઓની ખોટ રહ્યા કરી છે. અને કર્યું-કારવ્યું ધોવાઈ જાય એવો ઘાટ ઘડાતો રહ્યો છે. આને અમંગળ એંધાણ નહિ તો શું કહેવું ? તમામ સંસ્થાઓએ આત્મખોજ કર્યા વિના નહિ ચાલે !