કોંગ્રેસની નિયત સાફ હોય તો ઓબીસીમાંથી અનામત આપવાની માગ સાથે આવેદન આપે: જીતુ વાઘાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ દ્વારા મહામહિમ રાજયપાલને જે આવેદનપત્ર આપવામા આવેલ છે તે બાબતે ગુજરાતની જનતા અને સમાજના તમામ વર્ગના લોકોને સાચી હકિકતથી માહિતગાર કરવા તે અમારી નૈતિક ફરજ છે. કોંગ્રેસે આપેલા ૮ પાનાના નિવેદનમાં અનામતનો કયાંય ઉલ્લેખ સુધ્ધા નથી કોંગ્રેસના ટેકાથી ગુજરાતની શાંતિ ડહોળવા માટે હવાતીયા મારતા કેટલાક લોકો જે શરૂઆતમાં તમામ જગ્યાએ ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી કરી રહ્યા હતા અને ઓબીસીમાંથી જ અમને અનામત આપો તેનાથી ઓછુ કાંઈ ના ખપે તેવી વાતો કરનારાઓ આજે હવે અનામતનો ‘અ’ પણ ના ઉચ્ચારે તેનાથી સ્પષ્ટ થાય છે. કે, કોંગ્રેસ અને તેના મળતીયાઓએ માત્રને માત્ર પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે આજથી ત્રણ વર્ષ પહેલા ગુજરાતને બાનમાં લીધું હતુ અને આજે પણ ગુજરાતની શાંતિ સલામતી ડહોળવાનાં હીન પ્રયાસો કરી રહ્યા છે.
જે ગુજરાતની જનતા કયારેય સાંખી નહી લે.વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાજપા સરકારે બીન અનામત આયોગ તથા નિગમની રચના કરી છે. તેના દ્વારા અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તે ઉપરાંત યુવા સ્વાવલંબન યોજનાનો લાભ પણ હજારો યુવાનો લઈ રહ્યા છે. તથા ૧૦ ટકા ઈબીસી પણ ગુજરાત સરકારે જાહેર કર્યું હતુ ત્યારે કોંગ્રેસને પૂછવા માંગું છું કે, તમારા રાજયમાં કયાંય પણ આવી કોઈ યોજના બીન અનામત વર્ગ માટે ચાલતી હોય તો બતાવો.
વાઘાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ તેના મળતીયાઓ સાથે મળીને રાજયમાં વર્ગવિગ્રહ થાય, તોફાનો થાય તે પ્રકારની મેલીમૂરાદ ધરાવે છે. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના જુદા છે. આવેદન પત્રમાં અનામતનો ઉલ્લેખ સુધ્ધા ન કરવો તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ અને તેના મળતીયાઓ પ્રજાની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે જો કોંગ્રેસમાં હિંમત હોયતો ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી સાથેનું અલગ આવેદન પત્ર આપવા જાય વાસ્તવિકતા એ છેકે ઓબીસીમાંથી જ અનામત જોઈએ તેવી માંગણી કરનારાઓ અનામત વિશે આજે એક અક્ષર પણ ઉચ્ચારવા તૈયાર નથી કોંગ્રેસ અને તેના મળતીયાઓને મારી વિનંતી છે કે, મહેરબાની કરીને ભલાભોળા સમાજને છેતરવાનું બંધ કરે.