મારા પદ અને ગરીમા મુજબ ભાજપ કે કોઈ વ્યક્તિને હાની પહોંચે તેવું નિવેદન ક્યારેય આપુ જ નહીં: રાજ્યસભાના સાંસદ
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે મળેલી સ્નેહ મિલન સંદર્ભેની એક બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આપેલા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, શહેર ભાજપમાં અલગ અલગ જુથ સક્રિય છે. કાર્યકરો અમુક આકાઓથી ડરી રહ્યાં છે. આવા અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ જુથ સક્રિય નથી કે, જુથવાદનું નામોનિશાન નથી. મારા શબ્દોને મારી મચડીને રજૂ કરવામાં આવ્યા છે. પક્ષ કે કોઈ વ્યક્તિને હાની પહોંચે તેવું નિવેદન હું ક્યારેય આપી શકુ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સોમવારે પ્રદેશ ભાજપના કાર્યક્રમ મુજબ શહેર ભાજપનું સ્નેહ મિલન યોજાવાનું છે. જેમાં સંગઠન સહપ્રભારી પણ ઉપસ્થિત રહેવાના છે. ગઈકાલે આ સંદર્ભે કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરીયા પણ હાજર રહ્યાં હતા. તેઓએ કાર્યકરોને સ્નેહ મિલન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આપેલા નિવેદને મિડીયા દ્વારા અલગ એંગલમાં રજુ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવાયું છે કે, રાજકોટ શહેર ભાજપમાં અલગ અલગ જુથ સક્રિય છે. કાર્યકરો મારી પાસે રજૂઆત કરવા માટે કે મળવા આવવા માટે રીતસર ડરી રહ્યાં છે. મારા ઘરની બહાર પાર્ક થતી ગાડીઓ પર નજર રાખવામાં આવે છે. કાર્યકરોએ ડરવાની જરૂર નથી હું તમામની રજૂઆત સાંભળવા માટે કાયમ તૈયાર જ છું. દરમિયાન આજે આ અંગે સ્પષ્ટતા કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં મેં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપ્યું નથી.
મારા શબ્દોને મારી મચડીને રજૂ કરવામાં આવ્યા છે. ભાજપમાં કોઈ જુથ સક્રિય નથી. કાર્યકરો જ સૌથી મોટી મુડી છે. મારા પદ અને ગરીમા પ્રમાણે હું કદી આવા નિવેદનો આપુ જ નહીં. છતાં જો કોઈ મીડિયાએ આ પ્રકારનો ઉલ્લેખ ર્ક્યો હોય તો તે સદંતર ખોટુ છે. અખબારોમાં સાચા અને સારા સમાચારો આવે તે આવકારદાયક છે. આવા અહેવાલથી ખોટી કોન્ટ્રોવર્સી ઉભી થાય છે.