ખ્રિસ્તી ધર્મના પ્રણેતાએ આપ્યો પ્રેમ, વિશ્ર્વબંધુત્વ અને દીનદુ:ખીની સેવાનો દેવતાઈ સંદેશ: આપણો દેશ અને દુનિયા ધર્મ તથા સંપ્રદાયનાં નામે લડે છે, અને અશાંતિ-હિંસા આચરતા થાકતા નથી એ આજના યુગનો કેટલો મોટો અને બેહુદો કટાક્ષ છે !
આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાના ગાયક ભગવાન શ્રી કૃષ્ણે માનવજાતને એવી બાંહેધરી આપી છે કે, જયારે જયારે ધર્મની પ્રભુતા ક્ષીણ થાય છે. અને અધર્મની માત્રા વધતી જાય છે. ત્યારે દુરાચારીઓને હણવા તથા સાધુ-સન્યાસીઓને રક્ષવા હું યુગે યુંગે અવતરૂ છું, (સંભવામી યુગે યુગે).
ઈસુ ભગવાનનું અવતરણ આવા કોઈ હેતુસર જ થયું હોવાનું મનાય છે.
બેથ્લેહેમ (જેરૂસલેમ)માં એમના પ્રાગટયથી માંડીને એમના જીવન-કવન સુધીનો ઈતિહાસ સહુ કોઈ જાણે છે.
ખ્રિસ્તી ધર્મ અને તેમના ધર્માલયો- ગિરિજા ઘરો, દેવળો વિષેની તવારિખી બાબતો વિશ્ર્વભરમાં કાર્યાન્વિત છે અને જાણીતા છે.
ખ્રિસ્તીધર્મના પણ રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ, નામના બે ફિરકા છે. અને તેમના ધારાધોરણો, નિયમો પ્રણાલિકાઓનાં વિભિન્ન સ્વરૂપો છે. વિશ્ર્વભરમાં સંસ્થાગત રીતે એનું ધાર્મિક નીતિ નિયમોના પાલન અને પદ્ધારકો સુધીનાં કેન્દ્રો છે.
ર૦૧૯ના વર્ષની વિદાયને ટાંકણે, એટલે કે છ દિવસ પૂર્વે આપણા દેશની અને સમગ્ર વિશ્ર્વની માનવજાત અજંપા અને અસંખ્ય મુશ્કેલીઓ-હાડમારીઓ વચ્ચે જ જીવે છે એમ કહ્યા વિના છૂટકો નથી.
આપણા ભારત દેશમાં સવા અબજ જેટલી જનસંખ્યા (વસ્તી) છે, તેમાંથી ૬૫ ટકા લોકો ગરીબાઈમાં જીવે છે અને તેમની ગરીબી દૂર કરવાનાં વચનો લગીરે પાળી શકાયા નથી એ શું ઓછુ શરમજનક છે?
આપણો દેશ લાંબા ગાળાની વલોપાતભરી અને કઠોર ગુલામી બાદ અને સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આઝાદ તો બન્યો છે. પણ આઝાદી પછીના ૭ર વર્ષમાં કરોડો લોકોને આઝાદીના ફળની એકાદ આછી પાતળી ચીરનું પણ સૌભાગ્ય સાંપડયું નથી !
વિકાસની મોટી મોટી ડંફાસો કરોડો ગરીબોને રોજી, રોટી કે ઝુંપડા જેવા રહેઠાણો આપી શકી નથી.
આપણા દેશનું રાજકીય ક્ષેત્ર તમામ મોરચે નિષ્ફળ ગયું છે. મૂઠ્ઠીભર શ્રીમંતો કરોડો ગરીબોનો ભાગ હજમ કરીને ગગનચૂંબી મહેલાતોમાં, એશઆરામી અને લંપટ ભોજમજા વચ્ચે બેઠા છે. ગરીબ કુટુંબોની ભૂખ ભાંગે અને દેહની નગ્નતા ઢંકાય એટલું પણ પામી શકયા નથી.
રાજકીય ક્ષેત્ર ચૂંટણીઓ અને રાજગાદીના નપાવટ અને પ્રપંચોમાં કયા પક્ષો જીત્યા અને કોણે શું ગુમાવ્યું એ જોવાય છે, પણ આ દેશમાં જ જન્મેલા અને પોષાયેલા કરોડો નિર્ધન તેમજ ગરીબોએ તેમના જીવતર ખોઈ નાખ્યા તથા એક આખી પેઢીને પડતાલ હાલતમાં ખશેઈ નાખી એની દરકાર કે હાયકારો કોઈએ કર્યો નથી!
દેશ પતનને આરે ઉભો છે એવી દહેશત ખૂદ પ્રધાન દાખવે છે એક ઉદાહરણ: કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના ગૃહનગર નાગપૂરમાં પોતાના મંત્રાલય વિશે વાત કરતા કહ્યું કે ઘણી બાબતમાં ૮૯,૦૦૦ કરોડ રૂપીયા ફસાઈ ગયા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે મે ઉચ્ચ અધિકારીઓને ઘરે બોલાવ્યા અને જણાવ્યું કે ઘણી બાબતોમાં ૮૯,૦૦૦ કરોડ રૂપીયા ફસાઈ ગયા છે. હું તમને એવું નથી જણાવતો કે શું કરવાનું છે, હું તમને માત્ર એટલું જ જણાવી રહ્યો છું કે દેશની અર્થ વ્યવસ્થા પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે.
એક બીજુ ઉદાહરણ; ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ આઈએમએફએ જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર ઉંડી સુસ્તીના દોરમાં સરકારે આ માટે તરત પગલા લેવાની જરૂર છે. આઈએમએફએ તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે વપરાશ અને રોકાણમાં ઘટાડો અને ઘટ રહેલી ટેકસ વસુલાત તથશ અન્ય પરિબળોના કારણે વિશ્ર્વમાં ઝડપથી વૃધ્ધી પામેલા અર્થતંત્રને બ્રેક લાગી ગઈ છે. કરોડો લોકોને ગરીબી રેખાથી ઉપરા ઉઠાવ્યા પછી ભારત નોંધપાત્ર આર્થિક સ્લોડાઉનના દોરમાં છે.
ઈસુ ખ્રિસ્તના અંગ્રેજી કેલેન્ડરના ર૦૧૯ના વર્ષની વિદાય પૂર્વે અને ર૦ર૦ના વર્ષના આરંભે આપણા દેશની હાલત ચેતવણીઓ અને પતનની દહેશતનું અતિકદરૂપુ દર્શન કરાવે છે.
ખ્રિસ્તીધર્મનાં પ્રણેતા જીસસ ક્રાઈસ્ટે આપેલો પ્રેમ, વિશ્ર્વબંધુત્વ અને દીનદુ:ખીની સેવાનો સંદેશ ઘણે અંશે રોળાઈ-ટોળાઈ ગયો છે.
આપણો દેશ અને દુનિયા ધર્મ, સંપ્રદાય તથા રાજકીય નીતિ રીતિઓનાં નામે બેફામ લડે છે. અને અશાંતિ-હિંસાઆચરતાં થાકતા નથી. આજના યુગનો આ વિચિત્ર કટાક્ષ છે.
ર૦ર૦નું નૂતન વર્ષ વંઠુવંઠુ થતી આ દેશની આર્થિક સ્થિતિને વિલંબ વિના સુધારવાની મતિ આપણા રાજકર્તાઓને અને આપણી વ્યાપાર-ઉદ્યોગ આલમને આપે એવી પ્રાર્થના કર્યા સિવાય કોઈ આરોવારો નથી.