ભારતીય રોકાણકારો તેજીમાં માલ લેવા નીકળે છે અને મંદીમાં માલ વેચવા આ બીબાઢાળ પધ્ધતીમાંથી બહાર નીકળી બૂધ્ધીપૂર્વક રોકાણ કરે તો માલામાલ બનવાની તક
અબતક, રાજકોટ
પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણી છે કેન્દ્ર સરકાર દ્વારા મતદારોને રિઝવવા માટે ટનાટન બજેટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. છતા છેલ્લા એક સપ્તાહથી શેર બજારમાં તોતીંગ કડાકા બોલી રહ્યા છે. 18મી જાન્યુઅરીએ 61475 પોઈન્ટ પર પહોચેલા સેન્સેકસમા એક સપ્તાહમાં પાંચ હજાર પોઈન્ટનો કડાકો બોલી ગયો છે નિફટીએ પણ 17 હજારનું લેવલ તોડયું છે. હાલ બજાર પર મંદીવાળાની પકડ છે. વિદેશી રોકાણકારો પ્રોફીટ બૂકીંગ કરાવી માલ વેંચી રહ્યા છે. જેના કારણે બજારમાં મંદીમાં ઘી હોમાઈ રહ્યું છે. વાસ્તવમાં હાલ શેર બજારમાં રોકાણકારો માટે રોકાણ કરવાની સર્વશ્રેષ્ઠ તક છે. માલ ફૂંકી મારવામાં ઉતાવળ ન કરે અને નીચા મથાળે નવું રોકાણ કરે તો આગામી દિવસોમાં માલામાલ બનવાની પણ ઉતમ તક છે.
બજાર પર હાલ મંદી વાળા પકડ જમાવવાની કોશીશ કરી રહ્યા છે: કરેકશન ટેમ્પરરી છે, ઉતાવળમાં માલ ફેંકી દેશો તો પસ્તાશો, સગવડતા હોય તો અત્યારે ખરીદીની સુવર્ણ તક
દર વખતે શેર બજારમાં કેન્દ્રીય બજેટ પૂર્વ કરેકશન આવતું હોય છે. પરંતુ આ વખતે કરેકશન થોડુ વધુ ખતરનાક બન્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા ધુમ વેચવાલી કરવામાં આવી રહી છે બીજી તરફ કેન્દ્રીય બજેટમાં કેપીટલ ગ્રેઈન વધારવામાં આવે તેવી પણ સંભાવના છે. આવા અનેક પરિબળોનાં કારણે શેર બજારમાં કરેકશન આવ્યું છે જે સંપૂર્ણ પણે ટેમ્પરરી છે. પરમેનેન્ટ નથી. તે વાત રોકાણકારોએ યાદ રાખવી જોઈએ દેશની સર્વશ્રેષ્ઠ કંપનીઓનાં ત્રીજા કવાર્ટરના ત્રી માસિક પરિણામો ખૂબજ સારા આવ્યા છે. દેશમાં પણ એવું મોટુ કોઈ પરિબળ નથી જેના કારણે મંદી વધુ લાંબો સમય ટકે, કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે હાલ ભલે બજારમાં મંદીવાળાની બોલબાલા વર્તાય રહી હોય પણે તેઓની તાકાત લાંબી ચાલશે નહીં. કારણ કે અર્થતંત્ર ખૂબજ ઝડપથી મજબૂત બની રહ્યું છે.
ઉતર પ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ જાહેરાતોની અસર પણ બજાર પર પડી રહી છે. મતદારોને મફતમાં કરાતી લ્હાણીની અસર સીધી જ અર્થતંત્ર પર પડી રહી છે. ભારતીય રોકાણકારોની એક તાસીર છે કે તેઓ તેજીના સમયમાં માલ ખરીદવા માટે નીકળે છે. અને મંદીના માહોલમાં માલ વેચવા માટે રઘવાયા થાય છે. જેના કારણે તેઓને જોઈએ તેટલું વળતર મળતું નથી. હાલ બજારમાં ભલે મંદી પ્રવર્તી રહી હોય પરંતુ માલ ફૂંકી મારવાનો નહીં બુધ્ધી પૂર્વક માલ ખરીદવાનો સમય છે. બજારમાં મંદી માત્રને માત્ર હંગામી છે જો હાલ સારી કંપનીઓના શેર ખરીદવામાં આવે તો આગામી દિવસોમાં પેટભરીને રૂપીયા કમાવવાની સુવર્ણ તક રહેલી છે.
બજારમાં એકયા બીજાકારણોસર જયારે જયારે પણ મંદી આવી છે. ત્યારે મંદીવાળાઓ નબળા રોકાણકારો પર સવાર થઈ જાય છે. અને બજાર હજી તુટશે તેવો ખોટો આભાસ ઉભો કરે છે. માલ ખંખેરાવી લ્યે છે. પછી જયારે બજાર તેજીનો ટ્રેડ પકડે ત્યારે રૂપીયા કમાય છે. હાલ એકપણ એનગલથી બજારમાં મંદી લાંબી ચાલશે તેવી શકયતા વર્તાતી નથી જયારે સેન્સેકસ 60 હજારની સપાટી કુદાવી ત્યારથી રોકાણકારોના મનમાં એક વાત ધુમરડા મરી રહી છે કે હવે કરેકશન કયારે આવશે ? સામાન્ય રીતે મોટા ઉછાળા બાદ બજારમાં સામાન્ય કરેકશન આવતું હોય છે. હાલ બજારમાં ચાલી રહેલી મંદી તેનો જ એક ભાગ છે. પ્રોફીડ બુકીંગ, બજેટ, અમેરિકા દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવા અનેક પરિબળોના કારણે હાલ બજારમાં મંદી ચાલી રહી છે. જે હવે લાંબા દિવસની મહેમાન નથી.રોકાણકારો સાવધાની રાખી પોતાનો માલ બચાવી રાખે તો આગામી દિવસોમાં વધુ વળતર મળવાની સંભાવના છે.
ફૂગાવાને કાબૂમાં લેવા આરબીઆઈ રિવર્સ રેપોરેટના દરમાં વધારો કરી શકે છે
કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ દેશના અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા માટે સરકાર દ્વારા અનેક વિકાસ લક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં બેન્ક ઓફ ઇન્ડિયા પણ વિવિધ નાણાકીય યોજનાને બહાર પાડી અર્થતંત્રને કઈ રીતે વેગવંતુ બનાવી શકાય તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે બજેટ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પરી રિવર્સ રેપોરેટ ના દરમાં વધારો કરી શકે તેવા સંજોગો પણ ઉભા થયા છે. વર્ષ રેપોરેટ ના દરમાં વધારો કરવાનું મુખ્ય કારણ એ છે કે હાલ ભારતમાં જે ફુગાવાનો દર જોવા મળી રહ્યો છે તેને કાબૂમાં લાવી શકાય. ગત વર્ષ 2020ના મે માસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 3.35 ટકાનો રિવર્સ રેપોરેટ નિર્ધારિત કર્યો હતો જે હજુ સુધી બદલાનો નથી ત્યારે હવે જે રેટમાં વધારો થશે તો તેમાં આ રેટ પણ બદલાશે. એ વાતની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતની રાજકોષીય ખાધ માં પણ અડધા ટકા ના જીડીપીમાં થી ઘટાડો થઈ શકે છે. ટાઈપ દરેક પાસાઓને ગંભીરતાથી ધ્યાને લઇ અંતે રિવર્સ રેપોરેટ વધારવા માટેનો નિર્ણય લીધો છે પરિણામે દેશને ઘણો ફાયદો પણ પહોંચશે.