લોકોમાં ઘણી એવી માનસિકતા હોય છે કે ગર્ભ તો માત્ર સ્ત્રી જ ધારણ કરી શકે અથવા તો માતા તો ફક્ત સ્ત્રી જ બની શકે પરંતુ માતૃત્વ ધારણ કરવા માટે કોઈ જાતી નથી હોતી ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ટ્રાન્સજેન્ડર કપલના ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે. આ ભારતની પહેલી ઘટના છે જેમાં એક ટ્રાન્સ પુરુષ પ્રેગનેન્ટ છે. આ કપલે તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કેરલની છે જ્યાં કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલના ઘરે ટૂંક સમયમાં જ કિલકારીઓ ગુંજશે. કપલ જિયા અને જહાદે સોશિયલ મીડિયા દ્વારા માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે. આ દંપતી માર્ચ મહિનામાં તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. જિયા અને જહાદે ઇન્સ્ટાગ્રામ દ્વારા માહિતી આપી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે.
જહાદે સાબિત કરી બતાવ્યું કે માતૃત્વની કોઈ જાતી નથી હોતી !!!
ઈન્સ્ટાગ્રામ પર પ્રેગ્નેન્સીના ફોટો શેર કરતા જિયાએ પોસ્ટમાં લખ્યું, “હું કે જન્મથી સ્ત્રી નથી, એક બાળક મને માતા કહે તેવું માતૃત્વનું સપનું મારી અંદર હતું.” અમે સાથે રહ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે. જે રીતે હું માતા બનવાનું સપનું જોઉં છું, તે જ રીતે જેહાદ પિતા બનવાનું સપનું જુએ છે અને આજે તેની સંપૂર્ણ સંમતિથી તેના ગર્ભમાં આઠ મહિનાનું જીવન ઉછરી રહ્યું છે.
સામાન્ય રીતે સ્ત્રી માંથી પુરુષ બનવા માટે સર્જરીનો સહારો લેવો પડે છે ત્યારે રિપોર્ટ્સ અનુસાર ટ્રાન્સ કપલે પોતાનું લિંગ બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો. જિયા પુરુષ તરીકે જન્મી હતી પરંતુ સ્ત્રી બનવા ઈચ્છતી હતી જ્યારે જહાદનો જન્મ સ્ત્રી તરીકે થયો હતો પરંતુ બાદમાં તેણે પુરુષ બનવાનું નક્કી કર્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે પુરુષ બનવાની સર્જરી દરમિયાન તેનું ગર્ભાશય અને અન્ય કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા.
ઈન્સ્ટા યુઝર્સ આ પ્રેગ્નેન્સીની તસવીરો જોઈને કપલને કમેન્ટ બોક્સમાં અભિનંદનની વર્ષા કરી હતી. એક યુઝરે ટિપ્પણી કરી કે “અભિનંદન! આજે આપણે ઈન્સ્ટાગ્રામ પર આ સૌથી સુંદર વસ્તુ જોઈ છે જે દર્શાવે છે કે શુદ્ધ પ્રેમને કોઈ સીમા નથી હોતી.” એક યુઝરે લખ્યું, “હું ખૂબ આનંદ અનુભવું છું. ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.”