‘ચુંહા’ બાદ હવે ‘ચા’ કૌભાંડમાં ઘેરાણી મહારાષ્ટ્ર સરકાર; સીએમઓએ વર્ષ ૨૦૧૭-૧૮માં ૩.૪૦ કરોડ રૂપિયાની ચા પીધી
મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરૂપમ્નો સીએમ દેવેન્દ્ર ફડણવીસને સવાલ; દરરોજની ૧૮,૫૦૦ કપ ચા ગટગટાવવી કેવી રીતે શકય ?
ચુંહા કૌભાંડ બાદ હવે, ચા કૌભાંડમાં મહારાષ્ટ્ર સરકાર ઘેરાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું છે કે, મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી કાર્યાલય દરરોજ ૧૮,૫૦૦ કપ ચા ગટગટાવી જાય છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે સુચના અધિકાર (આરટીઆઈ)નો હવાલો આપતા કહ્યું કે, પાછલા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્ર સીએમ ઓફીસની ચાના ખર્ચમાં ભારે વધારો થયો છે જે આશ્ર્ચર્યકારક છે.
સુચના અધિકારી અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮માં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલયે ૩,૩૪,૬૪,૯૦૪ રૂપિયા (૩.૪ કરોડ)ની ચા પીધી છે જયારે અગાઉ વર્ષ ૨૦૧૫-૧૬માં ૫૭,૯૯,૧૫૦ રૂપિયાની ચા ગટગટાવી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે, ચાના ખર્ચમા પાછલા ત્રણ વર્ષમાં ભારે વધારો યો છે. સંજય નીરૂપમે કહ્યું કે, ચા પર તો આ ખર્ચ ચોંકાવનારો છે. સીએમઓમાં રોજ ૧૮,૫૯૧ કપની ચા પીવાય છે તે કેવી રીતે શકય છે ? તેમ કહી પ્રશ્ર્નો ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ટીપ્પણી કરતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી કઈ પ્રકારની ચા પીવે છે, મેં તો માત્ર ગ્રીન ટી, યેલો ટી જેવા જ નામો સાંભળેલા છે.
સંજય નિરૂપમે ફડણવીસ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અને તેમનું કાર્યાલય આટલી મોટી માત્રા રૂ.૩.૪ કરોડનું બીલ બનાવવા માટે કદાચ ખુબ મોંઘી ‘ગોલ્ડન ટી’ પીતા હશે. આશ્ર્ચર્યજનક બાબત અને દુ:ખદાયી વાત તો એ છે કે, મહારાષ્ટ્રમાં દરરોજ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે પણ સીએમઓ ચા પર કરોડો રૂપિયા ખર્ચે છે. નીરૂપમે વધુમાં આકરી ટીપ્પણી કરતા અગાઉ ઘટેલા ચુંહા કૌભાંડ પર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા.
તેમણે કહ્યું કે, શું મંત્રાલયના ચુંહાઓ ચા પીય જાય છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકના ખડસેના શાસનમાં ચુંહા કૌભાંડ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એકના ખડસેએ માત્ર એક સપ્તાહમાં મંત્રાલયના ૩,૧૯,૪૦૦ ચુંહાઓને મારવાનો દાવો કર્યો હતો અને આ માટે મોટો ખર્ચ પણ થયો હતો.
સંજય નીરૂપમે માંગ કરી છે કે, મહારાષ્ટ્ર સીએમઓમાં પીવાની આટલી મોટી ‘ચા’ની તપાસ થવી જોઈએ અને જવાબદારોની સામે કડક પગલા લેવાવા જોઈએ. જો કે, આ મુદ્દે તપાસ બાદ જ ખબર પડી શકે છે કે, શું ખરેખર મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલય રોજની ૧૮,૫૦૦ કપ ચા ગટગટાવી જાય છે કે આ પાછળ કોઈ કૌભાંડ છુપાયેલું છે ??
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,