સિવિલ હોસ્પિટલમાં આંગળીના ઇલમીનો પડાવ
સમગ્ર સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશિર્વાદ સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખિસ્સા કાતરરૂઓ અડ્ડો બની ગઇ હોય તેમ નજર ચુકવી રોકડ સાથેના પાકીટ અને મોબાઇલ ચોરીની ઘટના રોજીંદી બની ગઇ છે. છેલ્લા એક સપ્તાહમાં બે તબીબ સહિત દસ જેટલા મોબાઇલની ચોરી થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફે બે તસ્કરને ઝડપી પ્ર.નગર પોલીસ હવાલે કર્યા છે.
એક સપ્તાહમાં દસ જેટલા મોબાઇલ ચોરાયા: બે તસ્કર ઝબ્બે
સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા ઓપીડી બિલ્ડીંગમાં લીફટ પાસેથી ગાયનેક વિભાગના તબીબ કમલ ગોસ્વામીની નજર ચુકવી આંગળીના ઇલમીએ મોબાઇલ સેરવી લીધો હતો. ગતરાતે ટ્રોમા કેર બિલ્ડીંગમાંથી અન્ય બે તબીબના મોબાઇલ ચોરાયા છે. તેમજ અનેક દર્દીના સગા-સંબંધીના મોબાઇલની ચોરી થતા સિવિલ હોસ્પિટલમાં ગોકીરો બોલી ગયો છે.તબીબ અને દર્દીઓના સગા-સંબંધીઓ પાકીટ અને મોબાઇલ ગુમાવતા હોવાથી તબીબોના મહત્વના ડેટા હોય છે. જ્યારે દાખલ દર્દીના સગા-સંબંધીઓને પોતાના ગામમાં અને સંબંધીઓ સાથેન સંપર્ક તુટી જતા તબીબ અને દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા છે.
સિવિલ હોસ્પિટલમાંથી મોબાઇલની ચોરી કરતા માકેર્ટીગ યાર્ડ પાસે રહેતા વિજય લઘુશંકર ધામેલ અને તેનો પાડોશી દિલીપ ગીરીશ પરમાર નામના શખ્સોને સિક્યુરિટી સ્ટાફે ઝડપી પોલીસ હવાલે કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે બંને શખ્સો પાસેથી બે મોબાઇલ કબ્જે કર્યા છે.