- વિધાનસભા ચૂંટણી પૂર્વે કેટલીક બેઠકો ઉપર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગણી ઉઠી
- સ્થાનિક ઉમેદવારના જે-તે બેઠકના મતદાતાઓ સાથે સામાજિક સંબંધો પણ અસર કરે છે
વિધાનસભાની સામાન્ય ચૂંટણીના જંગ માટે ‘બૂંગિયો’ ફૂંકાઇ ગયો છે, ક્યાં કોને ઉમેદવાર તરીકે ટિકિટ આપવીએ મોટાભાગના રાજકીય પક્ષોએ જાહેર કરી દીધાં છે પરંતુ આજે અહીં વાત કરવાની છે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા પ્રશ્ર્ને ઠેર-ઠેર થયેલી માંગણી ક્યાં-ક્યાં સંતોષવાની જે-તે રાજકીય પક્ષોને ફરજ પડી છે અથવા જે ઉમેદવારોને ગત ટર્મમાં સ્થાનિક હોવાની લાયકાતને ધ્યાનમાં રાખ્યાં પછી ટિકિટ અપાયા બાદ તે ઉમેદવારની કેવી અસર રહી? વિગેરે મુદ્ાની ચર્ચા અત્રે કરવી પ્રાસંગિક લાગશે. આજે રાજકોટ જિલ્લાની જ વાત કરીએ તો રાજકોટ તાલુકામાં 96, લોધિકામાં 38, કોટડાસાંગાણીમાં 42, જસદણમાં 53, વિંછીયામાં 47, જેતપુરમાં 30, ધોરાજીમાં 51, ઉપલેટામાં 50 અને જામકંડોરણામાં 50 ગામડાઓ આવેલા છે.
પડધરી-ટંકારાનો મોરબીની બેઠકમાં તો કુવાડવાએ વાંકાનેર બેઠકમાં આવે છે. તાજેતરમાં કાલાવાડ ખાતે એવો અવાજ ઉઠ્યો હતો. સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવી જોઇએ. જો કે કાલાવાડની બેઠક જામનગર જિલ્લામાં આવે છે. એ જ રીતે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં હજુ સુધી કોઇ સૂર ઉઠ્યો નથી. ભાજપામાં ગ્રામ્ય વિસ્તારમાં લાખાભાઇ સાગઠિયા સિટીંગ ધારાસભ્ય છે, રાજકોટના ગામડાઓમાં લાખાભાઇનું વર્ચસ્વ જ્યારે નાના-નાના ગામડાઓમાંથી પસાર થાય ત્યારે દેખાઇ આવે છે. પોતાના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી કદાચ અહીં કોઇ સ્થાનિકને મૂકવા માંગણી થઇ નથી.
લાખાભાઇએ વર્ષ-2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવાર તરીકે રજૂ કરેલી માહિતીમાં તેમને લોધિકાના ખીરસરા ગામે ખેતીની જમીન હોવાનો ઉલ્લેખ છે.
અગાઉ ભાજપાએ ભાનુબહેન બાબરિયાને રાજકોટ ગ્રામ્યમાંથી ટિકિટ અપાઇ હતી. ભાનુબહેન માધુભાઇ બાબરિયાના પુત્રવધુ છે. માધુભાઇ પણ માજી ધારાસભ્ય છે. કોટડાસાંગાણીનું અરડોઇ ગામ પિયર છે. આ રીતે સ્થાનિક લોકોએ એ વખતે પણ કોઇ માંગણી ઉઠવાઇ ન હોતી. અલબત્ત, કોટડાસાંગાણીમાં આવતા શાપર-વેરાવળનો છેલ્લાં 10 વર્ષમાં વિસ્તાર અને વસ્તી વધી ગયા છે એટલે અહીંના પ્રશ્ર્નો પણ વધ્યાં છે.
શાપર-વેરાવળની વસ્તી અને વિસ્તારને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બનાવવાનો સમય પાકી ગયો છે. રાજકીય વિશ્ર્લેષકો એવું પણ માને છે કે વિધાનસભાની ચૂંટણી વખતે માત્ર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની બાબતને નહીં પરંતુ ઉમેદવારના સામાજિક સંપર્કો, વિવિધ સંસ્થાઓ સાથેનું તેમનું જોડાણ અને વખતે ભાજપાએ તો ઉંમરને પણ ધ્યાનમાં લેવાનું જાહેર કરી દીધું છે.
બીજું દાવેદારના જે-તે તાલુકામાં આવતા ગામડાઓ સાથે કેવો સંપર્ક છે તે મુદ્ાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ટૂંકમાં ઉમેદવાર સ્થાનિક હોય તો તેની અસર મતદાન પેટી ઉપર પડે જ છે. સ્થાનિક પ્રજા સાથે સ્થાનિક ઉમેદવારનો નાતો એક પરિવાર જેવો રહે છે. સારા-માઠા પ્રસંગોમાં જે-તે સ્થાનિક ઉમેદવારની હાજરી પણ સામાજિક સંબંધોને વધુ દ્રઢ બનાવે છે.